(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજ્યમાં રેલવે ટ્રેક પર સર્જાયેલી બે અલગ-અલગ દુર્ઘટનાઓમાં બે યુવાનોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. વડોદરાના મકરપુરા અને વિશ્વામિત્રી રેલવે સ્ટેશન વચ્ચે ગત ૨૮ જાન્યુઆરીની રાત્રે ૯ વાગ્યાના અરસામાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે એક અજાણ્યો યુવક આવી ગયો હતો. આશરે ૫૦ વર્ષની વયના આ યુવકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જો કે મૃતકની ઓળખ હજુ સુધી થઈ નહોતી.
બીજી તરફ, પાટણથી મહેસાણા જતી ટ્રેન નીચે એક યુવાન આવી જતાં અકસ્માત સર્જાયો હતો. પાટણના પ્રથમ રેલવે ગરનાળા પાસે, સવારે ૧૦:૦૫ કલાકે ટ્રેન નીચે આવી જવાથી યુવાનના શરીરના બે ટુકડા થઈ ગયા હતા. આ દ્રશ્ય જોઈને સ્થાનિકોમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી અને લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. રેલવે પોલીસે તાત્કાલિક પહોંચીને લાશને પાટા પરથી ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જો કે પાટણમાં બનેલી આ ઘટના આપઘાત કે અકસ્માત હોવા અંગે રહસ્ય અકબંધ રહ્યું હતું. પ્રાથમિક વિગતો અનુસાર યુવાન રાજસ્થાનના ઝાલોર જિલ્લાનો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી અને યુવાનની ઓળખ તેમજ મોતના કારણ અંગે ઊંડી તપાસ શરૂ કરી હતી.