Sun Jul 26 2026

Logo

સંસદ પરિસરમાં સાંસદોની કાર માટે નવી 'ગાઈડલાઈન': શા માટે જારી કરી એડવાઈઝરી?

2026-03-06 20:28:57
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: સંસદનું બજેટ સત્ર ફરી શરૂ થઈ રહ્યું છે ત્યારે સાંસદો માટે એક નવી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે કે તેઓ પોતાની કારની સ્પીડ 10 કિમી પ્રતિ કલાક સુધી મર્યાદિત રાખે, જેથી સંસદના પ્રવેશદ્વાર પર લગાવવામાં આવેલા સુરક્ષા ડિવાઈસ એક્ટિવ થાય નહીં, જેનાથી કારને નુકસાન ન થાય અને કારની અંદર બેસેલા લોકોને ઈજા પહોંચે નહીં. 

સંસદની સિક્યોરિટી સર્વિસે પાર્લિયામેન્ટ એસ્ટેટની અંદર સિક્યોરિટી ગેજેટ્સના ઓપરેશન માટે ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં ચેતવણી આપવામાં આવી છે કે ગાડીની ઝડપ 10 કિમી પ્રતિ કલાકથી વધુ હોવી જોઈએ નહીં જ્યાં સુધી તે લોખંડના દરવાજા પર અંતિમ સિક્યોરિટી ડિવાઈસ પાર ના કરી લે. આ ગેજેટ ઈમરજન્સીની સ્થિતિમાં તરત એક્ટિવેટ થવા માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે. 

તેમાં ચેતવણી આપવામાં આવી છે કે "જો વાહનોની ગતિ 10 કિમી પ્રતિ કલાકની ગતિ મર્યાદા કરતાં વધી જાય તો વાહન ચલાવનાર વ્યક્તિ માટે વાહનને સુરક્ષિત રીતે રોકવું મુશ્કેલ બની શકે છે. 'ટાયર કિલર્સ' અને 'રોડ બ્લોકર્સ' સામે ટકરાવાથી કારને ગંભીર નુકસાન થઈ શકે છે અને તેમાં બેસેલા મુસાફરોને ઇજા પહોંચી શકે છે." 

એડવાઈઝરીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 'બૂમ બેરિયર' પાર કરતી વખતે બે વાહનો વચ્ચે ઓછામાં ઓછું પાંચ ફૂટનું અંતર જાળવવું જોઈએ કારણ કે સિસ્ટમ એક સમયે ફક્ત એક જ વાહનને મંજૂરી આપે છે. જો કોઈ વાહન આકસ્મિક રીતે 'બૂમ બેરિયર' સાથે અથડાય છે તો ડ્રાઇવરે તાત્કાલિક વાહન રોકવું જોઈએ. 
નોંધનીય છે કે 13 ડિસેમ્બર, 2001ના રોજ સંસદ પર થયેલા આતંકવાદી હુમલા પછી લેટેસ્ટ સિક્યોરિટી ગેજેટ લગાવીને સિક્યોરિટી સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.