અમદાવાદઃ ગુજરાતમાં ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આગામી 36 કલાક ભારે છે. હવામાન સિસ્ટમ સક્રિય હોવાને કારણે અતિભારે વરસાદની આગાહી જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી છે. તેમણે મુંબઈ સમાચાર સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે ગુજરાતમાં આગામી 36 કલાક રાજસ્થાન પર સક્રિય થયેલી સિસ્ટમ ને કારણે ભારે વરસાદની આગાહી છે. જયારે 31 જુલાઈ સુધી આ વરસાદી તરફ સિસ્ટમને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી વરસાદી માહોલ જોવા મળશે. પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યુકે આગામી ઓગસ્ટ અને સપ્ટેમર સુધી પણ આ રીતે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે અને ગુજરાતમાં સર્વત્રિક વરસાદ નોંધશે.
પરેશ ગોસ્વામીએ કહ્યું, હાલમાં અરબ સાગર અને બંગાળની ખાડી—બંને ખૂબ જ સક્રિય છે. અરબ સાગર સક્રિય હોવાથી મોનસૂન ઓફ-શોર ટ્રફ પોઝિટિવ છે.બંગાળની ખાડીમાં બનેલી વરસાદી સિસ્ટમે ઉત્તર-પશ્ચિમ દિશામાં ગતિ કરી છે અને હાલ આ લો-પ્રેશર સિસ્ટમ દક્ષિણ રાજસ્થાન પર સ્થિર થઈ છે. આ સિસ્ટમનો શીયર ઝોન ગુજરાત પરથી થઈને અરબ સાગર સુધી લંબાયેલો છે, જેના કારણે મધ્ય ગુજરાત, અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ નિર્માણ પામી છે.
આ ઉપરાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું, સિસ્ટમ હાલ દક્ષિણ રાજસ્થાન પર સ્થિર હોવાથી આગામી 24 થી 36 કલાક સુધી મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક સેન્ટરોમાં ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહી શકે છે. 36 કલાક બાદ આ સિસ્ટમ ધીમે ધીમે નબળી પડીને આગળ વધી જશે, જેથી વરસાદનું જોર ઘટશે. જોકે, 31 જુલાઈ સુધી હળવાથી સામાન્ય વરસાદનો રાઉન્ડ ચાલુ રહેશે.
તેમણે કહ્યું કે, આ રાઉન્ડમાં ગુજરાતના આશરે 95 ટકા વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. માત્ર 5 ટકા જ વિસ્તારોમાં ઓછો કે નહીંવત વરસાદ પડ્યો છે. જેમાં સૌરાષ્ટ્રના દ્વારકા અને પોરબંદર તથા પૂર્વ ગુજરાતનો દાહોદ જિલ્લો મુખ્ય છે. સિસ્ટમનું કેન્દ્ર દક્ષિણ રાજસ્થાન પર હોવાથી આઉટર ક્લાઉડ્સના કારણે ઉત્તર સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગરમાં વરસાદ સારો રહ્યો છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પ્રમાણમાં ધીમી ધારે અને ઓછો જોવા મળ્યો છે.
શહેરી વિસ્તારોમાં જળબંબાકારનું શું છે કારણ
પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, જ્યારે પ્રતિ કલાક 3.5 ઇંચ કરતાં વધુ વરસાદ સતત 2 થી 5 કલાક સુધી પડે છે, ત્યારે જળભરાવની સ્થિતિ સર્જાય છે. વર્તમાન સમયમાં મોટા શહેરો જેવા કે વલસાડ, વાપી, સુરત અને અમદાવાદમાં મોટા પાયે થયેલા બાંધકામ (કન્સ્ટ્રક્શન) અને સિસ્ટમના કારણે ઝડપથી પાણીનો નિકાલ ન થઈ શકતાં જળબંબાકારની સમસ્યા સર્જાઈ છે.
આ ઉપરાંત તેમણે કહ્યું, ઑગસ્ટ મહિનામાં પણ બંગાળની ખાડી તરફથી આવી નવી સિસ્ટમો ગુજરાત તરફ આવે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે.