Thu May 28 2026

Logo

પાલનપુરમાં કળિયુગી પતિનું કારસ્તાન! પત્નીને માત્ર 50 હજારમાં વેચી દીધી, પાપ છુપાવવા ગુમ થયાની ફરિયાદ નોંધાવી

2026-05-27 09:01:00
Author: Vimal Prajapati
Article Image

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાંથી લગ્નના પવિત્ર સંબંધને કલંકિત કરતી અને માનવતાને શર્મસાર કરતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પતિએ પોતાની જ પત્નીને માત્ર 50 હજાર રૂપિયામાં અન્ય ઇસમોને વેચી દીધી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આટલું જ નહીં, પાપ છુપાવવા માટે તે પોતે જ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પત્ની ગુમ થઈ હોવાની ખોટી ફરિયાદ નોંધાવી હતી. જોકે, પાલનપુર પોલીસની સતર્કતાને કારણે સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો છે.

શું છે સમગ્ર મામલો અને કાવતરું?

મળતી માહિતી મુજબ, મુખ્ય આરોપી નિકેશ પટેલ પોતાની પત્નીને પસંદ કરતો ન હતો. આથી તેણે પત્નીથી છુટકારો મેળવવા માટે પોતાના મિત્રો સાથે મળીને એક પ્લાન બનાવ્યો. નિકેશ પટેલે પત્નીને તેના મિત્રો સાથે મુલાકાત કરાવવાના બહાને લઈ જઈ અન્ય લોકોના હવાલે કરી દીધી હતી. આ સોદો થરાદની એક મહિલાની મદદથી રૂપિયા 50,000માં નક્કી કરવામાં આવ્યો હતો. પત્નીને વેચી દીધા બાદ, ગુના પર પડદો પાડવા માટે નિકેશ પટેલે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં જઈને પત્ની ગુમ થઈ હોવાની અરજી આપી હતી.

પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો

ફરિયાદ નોંધાયા બાદ પાલનપુર વેસ્ટ પોલીસના પીઆઈ (PI) આર.કે. પટેલ અને પોલીસની ટીમે પતિના વર્તન અને નિવેદનો પર શંકા જતાં ટેકનિકલ એનાલિસિસ અને સ્થાનિક કડક પૂછપરછ શરૂ કરવામાં આવી. કડકાઈથી પૂછપરછ કરતાં જ આરોપી પતિ ભાંગી પડ્યો હતો અને તેના કાળા કરતૂતની કબૂલાત કરી લીધી હતી. પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને પીડિત મહિલાને નરાધમોના ચુંગલમાંથી હેમખેમ મુક્ત કરાવી હતી.

પતિના દોસ્તોએ પીડિતાને બંધક બનાવી આચર્યું દુષ્કર્મ

પોલીસ સ્ટેશને લવાયા બાદ પીડિતાએ જે આપવીતી સંભળાવી તેનાથી પોલીસ અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. મહિલાએ જણાવ્યું કે તેના પતિના મિત્રો સંજય ઠાકોર, અશોક ઠાકોર અને સચિન દરબાર સહિતના શખ્સોએ તેને બળજબરીપૂર્વક ગોંધી રાખી હતી. નરાધમોએ પીડિતા પર દુષ્કર્મ પણ ગુજાર્યું હતું અને તેની પાસે રહેલા સોના-ચાંદીના દાગીના પણ બળજબરીથી પડાવી લીધા હતા.  પાલનપુર પોલીસે ગુનાની ગંભીરતા જોઈને ગણતરીના કલાકોમાં જ મુખ્ય સૂત્રધાર પતિ નિકેશ પટેલ સહિત કુલ 7 આરોપીઓની અટકાયત કરી લીધી હતી. પોલીસની પ્રાથમિક તપાસ પ્રમાણે મુખ્ય આરોપી નિકેશ પટેલ અગાઉ પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.