અમદાવાદ, 21 જૂન: અમદાવાદમાં કેન્સરને હરાવીને સાજા થયેલા 100થી વધુ દર્દીઓએ ‘ઊર્જા 2026’માં ભાગ લઈને કેન્સરથી ડરવાના બદલે તેની સામે લડીને હરાવવાનો સંદેશો આપ્યો હતો. અમદાવાદની કૃષ્ણા શેલ્બી હોસ્પિટલ ખાતે રવિવારે યોજાયેલા ‘ઊર્જા – કૅન્સર વેલનેસ મીટ 2026’ કાર્યક્રમમાં 100થી વધુ કેન્સર વોરિયર્સ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. કેન્સરના દર્દીઓએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા અને હાલમાં કેન્સરની સારવાર લઈ રહેલા દર્દીઓને મહત્વની ટીપ્સ આપી હતી.
કેન્સરની સારવાર પૂર્ણ થયા બાદનું જીવન પણ એટલું જ મહત્વનું છે તેવો સંદેશ આપતા આ કાર્યક્રમમાં કેન્સર સર્વાઇવર્સ ઉપરાંત કેરગિવર્સ, ઓન્કોલોજિસ્ટ્સ તેમજ આરોગ્ય અને વેલનેસ ક્ષેત્રના નિષ્ણાતોએ પણ ભાગ લીધો હતો. કેન્સરના નિદાન અને સારવારથી આગળ વધીને કેન્સરની સારવાર પછીના જીવન, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તેમજ સર્વાઇવરશિપ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. શેલ્બી કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SCRI) અને શેલ્બી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ્સ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સ્ટેન્ડ-અપ કોમેડિયન ચિરાયુ મિસ્ત્રીનું હાસ્ય થેરાપી સત્ર પણ યોજાયું હતું. આ ઉપરાંત, સોહિની શાહ દ્વારા ‘રિકવરી અને વેલનેસ માટેનું પોષણ’ વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સોહિની શાહ દ્વારા કેન્સરની સારવાર બાદ યોગ્ય આહાર અને સ્વસ્થ જીવનશૈલી અંગે ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.
કેન્સર સર્વાઇવર્સે પોતાના અનુભવો, સંઘર્ષ અને જીવનના નવા હેતુઓ અંગે વાત કરી હતી. આ કાર્યક્રમમાં લેખિકા અને કેન્સર સર્વાઇવર મલ્લિકા મુખર્જીના પુસ્તક ‘કૅન્સર સે મેરા સામના’નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. SCRIના ડિરેક્ટર ડૉ. વિરાજ લવિંગિયાએ જણાવ્યું હતું કે, કેન્સરની સારવાર પૂરી થયા પછી પણ દર્દીઓને સતત માર્ગદર્શન અને સહયોગની જરૂર રહે છે. ‘ઊર્જા’ દ્વારા અમે સંપૂર્ણ કેન્સર કેરના અભિગમને આગળ વધારી રહ્યા છીએ, જેમાં તબીબી સારવારની સાથે ભાવનાત્મક સહયોગ, શિક્ષણ અને સામાજિક જોડાણને પણ મહત્વ આપવામાં આવે છે.”
મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. માનસી શાહે જણાવ્યું હતું કે, આધુનિક સારવારને કારણે કેન્સર સર્વાઇવર્સની સંખ્યા વધી રહી છે પણ સારવાર બાદ પોષણ, માનસિક સ્વાસ્થ્ય, કેન્સર ફરી થવાનો ભય અને સમાજમાં પુનઃસમાવેશ જેવા પડકારોનો સામનો કરવો પડે છે. ‘ઊર્જા’ આવા મુદ્દાઓ પર માર્ગદર્શન અને સહયોગ પૂરું પાડતો મહત્વપૂર્ણ મંચ છે.
‘ઊર્જા’ જેવા કાર્યક્રમો દ્વારા SCRI અને શેલ્બી હોસ્પિટલ્સ કેન્સર સર્વાઇવર્સ તથા તેમના પરિવારજનોને જરૂરી માર્ગદર્શન, સહયોગ અને પ્રોત્સાહન પૂરું પાડવા માટે સતત કાર્યરત છે. આ પહેલ દ્વારા કેન્સર પછીના જીવન સાથે જોડાયેલા મુદ્દાઓ અંગે જાગૃતિ ફેલાવવા અને ખુલ્લી ચર્ચાને પ્રોત્સાહન આપવા પર પણ ભાર મૂકવામાં આવે છે.
લેખિકા અને કેન્સર સર્વાઇવર મલ્લિકા મુખર્જીએ જણાવ્યું હતું કે, કેન્સરના કારણે મારા જીવનમાં મોટો ફેરફાર આવ્યો. કેન્સર સામેની લડતે મને આશા, હિંમત અને જીવનને નવી રીતે જોવાનું પણ શીખવ્યું. ‘કૅન્સર સે મેરા સામના’ દ્વારા મેં મારા અનુભવો શેર કર્યા છે કે જેથી કેન્સરનો સામનો કરી રહેલા દર્દીઓને આશા અને હિંમત મળી રહે.