સુરતમાં ધર્મના નામે ધતિંગ કરતા એક પાખંડી ભૂવાની કરતૂતનો પર્દાફાશ થયો છે. કતારગામની એક યુવતીને તાંત્રિક વિધિના બહાને પોતાની જાળમાં ફસાવી અમરોલીના લંપટ નરેશ ચૌહાણ નામના ભૂવાએ વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો આરોપ લાગ્યો છે. ભૂવાએ યુવતીને હોટેલમાં લઈ જઈને માતાજીનો નશાકારક પ્રસાદ ખવડાવીને પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો. આ સાથે આરોપી ભૂવાએ ધમકી પણ આપી હતી કે, જો આ અંગે કોઈને કહીશ તો તારા ન્યૂડ ફોટો વીડિયો વાયરલ કરી દઈશ. જોકે, યુવતીએ આ અંગેની સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વર્ષ 2024 માં ભોગ બનનાર યુવતી અને આરોપી ઢોંગી ભૂવો નરેશ ચૌહાણ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. યુવતીના ઘરે કુળદેવીની વિધિ કરવાના બહાને નરેશ ચૌહાણ આવ્યો હતો, જ્યાં બંને વચ્ચે સામાન્ય પરિચય થયો હતો અને મોબાઈલ નંબરની આપ-લે થઈ હતી. ત્યારબાદ, આ કપટી ભૂવાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને મિત્રતા વધુ ગાઢ બનાવી હતી.
હોટલમાં બોલાવી નશાકારક પ્રસાદી ખવડાવી
મિત્રતાનો ગેરફાયદો ઉઠાવીને નરેશ ચૌહાણે યુવતીને સિંગણપોર ખાતે આવેલી એક ખાનગી હોટેલમાં મળવા માટે બોલાવી હતી. હોટેલના રૂમમાં નરાધમે પવિત્રતાનો સ્વાંગ રચીને 'આ માતાજીનો પ્રસાદ છે' તેમ કહી યુવતીને ઘેનયુક્ત પ્રસાદી ખવડાવી દીધી હતી. પ્રસાદ ખાધાના થોડી જ વારમાં યુવતી બેભાન થઈ ગઈ હતી. યુવતી અર્ધબેભાન અવસ્થામાં હોવાનો લાભ ઉઠાવીને નરાધમ ભૂવાએ તેને નિર્વસ્ત્ર કરી તેના પર બળાત્કાર (Rape) ગુજાર્યો હતો. એટલું જ નહીં, આ પાપીએ ભોગ બનનાર યુવતીના આપત્તિજનક ન્યૂડ ફોટા અને વીડિયો પણ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા હતા.
યુવતીની તસવીરો વાયરલ કરવાની ધમકી આપી
જ્યારે પીડિત યુવતી ભાનમાં આવી, ત્યારે ભૂવાએ કોઈને કહીશ તો વાંધાજનક તસવીરો વાયરલ કરવાની તેમજ પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે બાદ ભૂવાએ બ્લેકમેઈલિંગનો ખેલ શરૂ કર્યો અને ડરાવીને અવારનવાર યુવતીને હોટલમાં બોલાવતો અને તેની મરજી વિરુદ્ધ સબંધ બાંધતો હતો.
આખરે કંટાળેલી યુવતીએ પોતાના પરિવાર સમક્ષ આપવીતી જણાવી દીધી હતી. પરિવારે હિંમત આપતાં યુવતીએ સિંગણપોર પોલીસ મથકમાં ભુવા નરેશ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મનો ગુનો દાખલ કરીને ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો.
સોશિયલ મીડિયા પર વીડિયો બનાવી લોકોને ગેરમાર્ગે દોર્યા
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ ઢોંગી ભૂવો સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ સક્રિય હતો અને તેના અનેક વીડિયો ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. તે પોતાને માતાજી આવતા હોવાનો અને દૈવી શક્તિઓ હોવાનો ઢોંગ રચીને નિર્દોષ અને ભોળા લોકોને ગેરમાર્ગે દોરતો હતો. પોલીસ હવે એ દિશામાં પણ સઘન તપાસ કરી રહી છે કે આ પાખંડીએ અગાઉ અન્ય કેટલી મહિલાઓને અંધશ્રદ્ધાની જાળમાં ફસાવીને શારીરિક કે આર્થિક શોષણનો ભોગ બનાવી છે.