Wed Jul 29 2026

Logo

માનસ મંથનઃ જેનું દુષ્ટ ચરિત્ર છૂટ્યું નથી, જે દુષ્ટતાથી મુક્ત નથી થયો તેને કથાતત્ત્વ નહીં સમજાય

2026-06-29 08:43:00
Author: Morari Bapu
Article Image

મોરારિબાપુ

નવ દિવસ પછી અસ્તિત્વ દ્વારા નિર્માણ થયેલી આ ઘટના એમને એમ વહી ન જાય. તેને આચરણાત્મક રૂપ આપીએ. દસ વર્ષ પહેલા પત્રકારભાઈઓએ મુંબઈમાં પૂછેલું; બાપુ, રામાયણની કથા કરીને તમે કેટલાને સુધાર્યા? ત્યારે મેં સહજ જવાબ આપેલો, કે સુધારવાનો મેં કોઈ ઠેકો નથી લીધો. બીજાને સુધારવા માટે નથી. હું બગડી ન જાઉં, એટલા માટે આ છે. મને ને તમને કથા ગમે છે. જે શાંતિ તમે રાખો છો, એનું કારણ તમને ગમે છે અને ગમે છે તેનું કારણ તમે નથી, તમારો સ્વભાવ છે. 

પોતાનો સ્વભાવ અધ્યાત્મ છે. કોઈ પ્રલોભનો, અર્થ, કોઈ મૂઢતા અને મને ને તમને કુસંગ કરાવે છે, જેની થોડીયે તૈયારી નહિ હોય, એને કથા નહિ સમજાય, નથી સમજાતી. જે દુષ્ટ ચરિત્રથી મુક્ત નથી થયો, જેનું દુષ્ટ ચરિત્ર છૂટ્યું નથી તેને કથા નહિ સમજાય.ગોસ્વામીજી કહે છે-ખૂબ દૂર રહેજો બાપ, સંગત મને ને તમને બગાડે. બાકી અંદરથી બધા ભગવાન છે. સંગ જ બગાડે છે. જેનું ચરિત્ર દુષ્ટતાથી ભરેલું છે. એને અધ્યાત્મ નહિ સમજાય. કથા ઘણી શુદ્ધિ કરશે, પરંતુ એના પહેલાં આપણાં દ્વારાયે પાત્રતા નિતાંત આવશ્યક છે. થોડી શુદ્ધિ મારે ને તમારે રાખવી પડશે.

આપણે કથા ગાઈએ છીએ, બોલીએ છીએ, સાંભળો છો તમે. આ બધું તો થાય છે. નવ દિવસ પછી અસ્તિત્વ દ્વારા નિર્માણ થયેલી આ ઘટના એમને એમ વહી ન જાય. આચરણાત્મક રૂપ આપીએ. કથા સૂનો ઔર કૂછ ચૂનો. ઘણા મને ચિઠ્ઠી લખે છે કે બધા પાસે સંકલ્પો લેવડાવો. તમે જ મનમાં ગાંઠ વાળી દોને કે હવે આમ જીવીશું. વ્યાપારીઓ ગાંઠ વાળી દે. ધર્મપુરુષો ગાંઠ વાળી દે.  

શિક્ષકો, વકીલો, ડૉકટરો... ભાઈ-બહેનો નક્કી કરી લે. કથા કોને પચશે? જે દુષ્ટ ચરિત્રથી મુક્ત નથી થયો, એને સત્સંગ દોહ્યેલો છે. થોડીક આપણા તરફથી તૈયારી હોય. બાળક થોડા હાથ ઊંચા કરે, થોડું એની શક્તિ અનુસાર રડે. તોયે ઓછામાં ઓછું મા દોડીને લઇ લેશે. એમ થોડોય પ્રયત્ન કરીએ તો એ વિરાટમાં બેઠેલી મા, અસ્તિત્વમાં બેઠેલી એ આપણને હાથ લાંબા કરીને ઉઠાવી લેશે. એ માટે થોડુંક આપણે ચાલીએ.

જે દુષ્ટ આચરણથી દૂર નથી થયો, જે અશાંત છે એ પણ નહિ સમજી શકે. માનસિક રીતે જે અશાંત છે, સંતાપમાં જ રહે છે, જેના ચિત્તમાં ફરિયાદો સિવાય કઈ નથી એ સત્સંગને નહિ સમજી શકે. ઘણા માણસો વિચારપ્રધાન હોય. પછી ભલે સાંસારિક હોય કે વેદાંતના વિચારો હોય,પણ વિચારો જ કરતા રહે. ઘણા માણસો વિકારપ્રધાન હોય, એમનામાં વિકાર ઊભરાતા હોય. ઘણા વિદ્રોહપ્રધાન હોય, વિદ્રોહ જ કર્યા કરે, બળવો કરે. બધી વાતોમાં એમને  ફરિયાદ જ હોય, શિકાયત સિવાય કઈ નહિ. સત્સંગ એને પચે છે, જે શાંત છે.

જેને સમાધાન પ્રાપ્ત નથી થયું, કે મારે આ જ વસ્તુ પ્રાપ્ત કરવી છે, ને સમાધાનની જેનામાં પ્રામાણિક જીજ્ઞાસા પેદા નથી થઇ એને સત્સંગ નહિ પચે. જેનાં મનમાં કામ, ક્રોધ આદિ વિકારો ચાલ્યા જ કરે છે, એને પણ નહીં સમજાય. દુર્જનોથી દૂર રહેવું. કેવળ વિચારપ્રધાન ન રહેવું. આચારપ્રધાન પણ બનવું. 

સમાધાન માટે પ્રામાણિક પ્રયાસો કરવા.મનમાં સંકલ્પો, વિકલ્પો, અનેક વિકારોનું જે યુદ્ધ આપણા જીવનમાં ચાલતું હોય છે, એને અભ્યાસપૂર્વક અટકાવવા. જો આપણે બીજામાં રહેલી શુભ વસ્તુઓને જ જોવાનું શીખી જઈએ તો જગતની બહુ સમસ્યાઓ સમાપ્ત થઇ જશે. ભીંતરની વૈરવૃત્તિને મિટાવો એ જ ‘શિક્ષા’ છે. એ જ ‘દિક્ષા’ છે. એ રહસ્ય સમજાઈ જશે તો આપણે કોઈની નિંદા નહિ કરી શકીએ.

આકાશને કોઈ સીમાઓ નથી. હૃદયાકાશમાં કોઈ સીમાઓ ન રહે તેવો સંકલ્પ કરો. ધરતી સૌને ધારણ કરે છે. આપણે સૌને યથાશક્તિ ધારણ કરીએ. આપણે નદીની જેમ વહીએ. તીવ્રતાથી ગતિ કરીએ. સૌને લીલાછમ કરી સાગરરૂપી અંતિમ લક્ષ તરફ તીવ્ર ગતિ કરીએ. જે વિકારો બિન જરૂરી છે તેનું દમન નહિ, દહન કરીએ. અનાવશ્યકને બાળવું. વાયુતત્ત્વની જેમ સ્વને ક્યાંય દેખાવા ન દેવું અથવા વાયુપુત્ર ને પકડો. સત્સંગ આંતર મંથનની પ્રક્રિયા છે.

ગીતામાં બે શબ્દો અભ્યાસ અને વૈરાગ્ય વાપર્યા છે. અભ્યાસ અને વૈરાગ્યપૂર્વક મનને કાબૂમાં રાખો. એની પરિભાષા શું ? આપણા મનને એવી જગ્યાએ ગોઠવવું કે જ્યાં ગોઠવીએ ત્યાં દગો ન થાય. મન તો કેટલું રૂપ લઇ બેઠું છે, એને એવી રીતે ગોઠવીએ. ક્યારેક શ્રવણમાં, ક્યારેક મનનમાં, ક્યારેક ચિંતનમાં, ક્યારેક સ્વધામમાં. જુદી જુદી જગ્યાએ મનને ગોઠવીએ. 

આપણી પાસે પૈસા હોય ને, એને સમજણપૂર્વક, જુદે જુદે ઠેકાણે રોકી દેવા, એનું નામ અભ્યાસ. વીસ હજાર રૂપિયા પાંચ વર્ષની સ્કીમમાં મૂકી દીધાં. દસ હજાર એફ.ડી. કરી નાખ્યા. તેનું નામ અભ્યાસ. મુદત પૂરી થાય એટલે બધું ઉપાડી લેવું, એનું નામ છે વૈરાગ્ય. ક્યાં ક્યાં મન મૂક્યું હોય, અમુક ઉંમર થાય એટલે -સબ કર મમતા તાગ બટોરી...બધી જ મમતાના દોરા સાથે બાંધીને, શ્રીહરિનાં ચરણોમાં મૂકી દેવું આનું નામ વૈરાગ્ય. આવી રીતથી થોડી તૈયારી કરીએ, જેથી આ તત્ત્વ, સત્સંગ સમજાય.

આ કથા એક ધર્મની નથી, સંપ્રદાયની નથી. રામાયણની કથા કોઈ એક જ્ઞાતિનીયે નથી, આ તમામની કથા છે. તેથી તમામ અહીં આવકાર્ય છે. મોરારિબાપુ આના કેન્દ્રમાં ન રહે, એ બધાને કહું છું. મોરારિબાપુ તો આજે છે ને કાલે નથી. મોરારિબાપુ મહત્ત્વના નથી. આ દેશની સંસ્કૃતિ, આ દેશની સભ્યતા, રામનામ, આ દેશની રામકથા મહત્ત્વના છે. હું મારા દેશના તમામ ધર્મોનાં ભાઈ-બહેનોને પણ નિમંત્રણ આપું. કોઈ પણ ધર્મના સંપ્રદાયના આ બધાની કથા છે. સાથે મળીને સંકલ્પ કરીએ કે રાષ્ટ્રમાં કંઈ રચનાત્મક કામ થાય.
સંકલન : જયદેવ માંકડ