નવી દિલ્હી: મધ્યપૂર્વના દરિયાઈ વિસ્તારમાં ભારતીય નાવિકોને નિશાન બનાવીને કરવામાં આવી રહેલા સૈન્ય હુમલાઓ પર ભારત સરકારે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. આ વિસ્તારમાં સતત બગડતી પરિસ્થિતિ અને ભારતીય નાવિકોની સુરક્ષાને લઈને ભારતે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા સ્પષ્ટ કર્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં આ પ્રદેશમાં ભારતીય ક્રૂ મેમ્બર્સ સાથે જોડાયેલી કેટલીક ગંભીર ઘટનાઓ સામે આવી છે. ભારત સરકાર પોતાના નાવિક સમુદાયની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે અને આ સમગ્ર ઘટનાક્રમ પર સતત નજર રાખી રહી છે.
ઓમાન તટ પર થયેલા હુમલાની આકરી નિંદા
વિદેશ મંત્રાલયે ઓમાનના દરિયાકાંઠે તાજેતરમાં એક કમર્શિયલ જહાજ પર થયેલા હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરી છે. સૈન્યના હુમલામાં 3 ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. પ્રવક્તા રણધીર જયસ્વાલે આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવીને ઉમેર્યું કે, ભારત સરકાર આ મુશ્કેલ સમયમાં પીડિત પરિવારોની સાથે મજબૂતાઈથી ઊભું છે અને આ મામલે તમામ જરૂરી રાજદ્વારી (ડિપ્લોમેટિક) પગલાં લેવામાં આવી રહ્યા છે.

દિલ્હીમાં અમેરિકી દૂતાવાસના પ્રભારીને સમન્સ
આ ગંભીર ઘટનાના ઘેરા પ્રત્યાઘાતરૂપે ભારતે નવી દિલ્હી સ્થિત અમેરિકી દૂતાવાસના પ્રભારી એટલે કે 'ચાર્જ ડી અફેર્સ' જેસન મીક્સને વિદેશ મંત્રાલયે બોલાવ્યાં હતા અને સત્તાવાર રીતે ભારતનો આક્રોશ અને કડક વિરોધ નોંધાવ્યો હતો. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમામાં વાણિજ્યિક જહાજો પર થઈ રહેલા સતત હુમલા માત્ર વૈશ્વિક દરિયાઈ સુરક્ષા માટે જ મોટો ખતરો નથી, પરંતુ તેનાથી આંતરરાષ્ટ્રીય વેપાર અને નિર્દોષ નાવિકોના જીવ પણ જોખમમાં મુકાઈ રહ્યા છે.
પશ્ચિમ એશિયામાં વધતો તણાવ ચિંતાનો વિષય
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં ચાલી રહેલા સૈન્ય સંઘર્ષના કારણે જ આ પ્રકારની ઘટનાઓ સતત સામે આવી રહી છે. વેપારી જહાજો પરના આ હુમલા સીધી રીતે આ ક્ષેત્રમાં વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ સાથે જોડાયેલા છે. ભારતનું હંમેશાંથી મક્કમ માનવું રહ્યું છે કે હિંસા, સૈન્ય કાર્યવાહીથી કોઈ સમસ્યાનું કાયમી સમાધાન નીકળી શકતું નથી.