Mon Jul 27 2026

Logo

નોઈડામાં સેક્ટર-74માં Ivy કાઉન્ટી સોસાયટીના 12મા માળે લાગી ભીષણ આગ, અનેક લોકો ફસાયાની આશંકા

2026-06-05 09:34:00
Author: Vimal Prajapati
Article Image

નોઈડાઃ દેશમાં છેલ્લા ઘણાં સમયથી આગની ઘટનાઓ વધી રહી છે. બિહાર અને દિલ્હી બાદ હવે નોઈડામાં ભીષણ આગની ઘટના પ્રકાશમાં આવી છે. આજે સવારે નોઈડાના સેક્ટર 74 માં આવેલી IVY કાઉન્ટી સોસાયટીમાં ભીષણ આગ લાગી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઇમારતમાંથી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. આ ઘટના સેક્ટર 113 પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે. 12મા માળે એક ફ્લેટમાં આગ લાગ્યા બાદ ફાયર સર્વિસને એલર્ટ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગને કાબુમાં લેવા માટે કામ કરી રહી છે. 

આગના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે હડકંપ

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આગ એટલી ભયાનક છે કે, બારી અને બારણામાંથી નીકળતો ધૂમાડો દૂરથી પણ જોઈ શકાય છે. જોતજોતામાં આગ બાજૂના ફ્લેટમાં પણ લાગી ગઈ હતી. આગના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે હડકંપ મચી ગયો છે. તંત્ર દ્વારા દરેકને શાંત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે આ ફ્લેટ સાથે આસપાસના ફ્લેટને પણ ખાલી કરાવી દેવામાં આવ્યાં છે. લોકોને બહાર કાઢવા માટે અત્યારે પોલીસ પણ કામે લાગી ગઈ છે. આ સાથે આગનું કારણ શોધવા માટેની પણ તપાસ ચાલી રહી છે. 

મુખ્ય પ્રધાન યોગીએ પણ તપાસના આદેશ આપ્યાં 

આગ કયાં કારણોસર લાગી તેની હજી સત્તાવાર જાણકારી મળી નથી. આ મામલે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગીએ પણ તપાસના આદેશ આપ્યાં છે. આ સાથે મુખ્ય પ્રધાન યોગીએ સંબંધિત અધિકારીઓને સત્વરે ઘટનાસ્થળે પહોંચવા માટે આદેશ આપ્યો છે. યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવે અને ઘાયલોને સત્વરે સારીમાં સારી સારવાર આપવામાં આવે તેવો પણ સીએમ યોગીએ નિર્દેશ આપ્યો છે. આ સાથે તંત્રએ દરેક સ્થિતિમાં સતર્ક રહેલા માટે પણ આદેશ આપ્યો છે. અત્યારે ફાયર બ્રિગેડની કર્મચારીઓ રાહત અને બચાવ કાર્ય કરી રહ્યાં છે. 

ચોંકાવનારી વાત એ છે કે, આઇવી કાઉન્ટીમાં લાગેલી આગ હજુ કાબુમાં આવી ન હતી કે ફાયર વિભાગને બીજી મોટી ઘટનાના સમાચાર મળ્યા હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે, નોઇડાના સેક્ટર 52માં સ્થિત 'E3 શતાબ્દી વિહાર'માં પેઇંગ ગેસ્ટ (PG) રહેઠાણમાં અચાનક આગ ફાટી નીકળી છે. આ બહુમાળી ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર એક રેસ્ટોરન્ટ ચાલે છે, જ્યારે ઉપરના માળે પીજી સુવિધા છે, જ્યાં અસંખ્ય વિદ્યાર્થીઓ અને યુવા વ્યાવસાયિકો રહે છે. અહીં પણ ફાયર વિભાગની ગાડીઓ પહોંચી રહી છે.