દેશમાં કાળઝાળ ગરમીની વચ્ચે આગ લાગવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. આજે એક જ દિવસમાં ઉત્તર પ્રદેશના નોઈડા અને રાજસ્થાનના ભિવાડીમાં ત્રણ અલગ-અલગ જગ્યાએ આગ લાગવાની ઘટનાઓથી ભારે અફરાતફરી મચી ગઈ હતી. નોઈડામાં સેક્ટર 75ની એક પોશ સોસાયટી અને સેક્ટર 52માં આવેલા પીજીમાં આગ લાગી હતી, જ્યારે રાજસ્થાનના એક ઓદ્યોગિક વિસ્તારમાં ટ્રાન્સફોર્મર બ્લાસ્ટ થતાં બે ફેક્ટરીઓ આગની લપેટમાં આવી ગઈ હતી.
આઇવી કાઉન્ટીના 12મા માળે એક ફ્લેટમાં લાગી આગ
નોઈડાના સેક્ટર 75માં આવેલી 'આઇવી કાઉન્ટી' (Ivy County) સોસાયટીના 12મા માળે આવેલા એક ફ્લેટમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. ફ્લેટની બારીઓ અને બાલ્કનીમાંથી નીકળતી ગગનચુંબી લપેટો અને કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂરથી જોઈ શકાતા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને એસડીઆરએફની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો છે અને હાલ કુલિંગ ઓપરેશન ચાલુ છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
નોઈડા સેક્ટર 52માં PG બિલ્ડિંગમાં આગ
બીજી ઘટના નોઈડાના સેક્ટર 52 સ્થિત શતાબ્દી વિહારમાં બની હતી, જ્યાં એક પેઇંગ ગેસ્ટ (PG) આવાસમાં આગ લાગી હતી. આ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર એક રેસ્ટોરન્ટ કાર્યરત હતું અને ઉપરના માળે વિદ્યાર્થીઓ તેમજ યુવા નોકરીયાતો રહેતા હતા. આગ લાગતા જ અંદર રહેતા યુવાનોમાં નાસભાગ મચી ગઈ હતી, પરંતુ ફાયર વિભાગે સમયસર પહોંચીને તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા.
નોઈડામાં બે જગ્યાએ આગની ઘટના બની
— MG Vimal ✍️ - વિમલ પ્રજાપતિ (@mgvimal_12) June 5, 2026
ઘટનાઃ 01
સેક્ટર 75માં આવેલી 'આઇવી કાઉન્ટી' સોસાયટીમાં 12 માળે આગ લાગી
ઘટનાઃ 02
સેક્ટર 52માં આવેલા પીજી (PG)માં આગ લાગી#Fire #noida pic.twitter.com/4eQ7ihdi05
ટ્રાન્સફોર્મર બ્લાસ્ટ બાદ બે ફેક્ટરીઓ ભડકે બળી
આગી ત્રીજી મોટી ઘટના રાજસ્થાનના ભિવાડી ઓદ્યોગિક વિસ્તાર (Bhiwadi Industrial Area) માંથી પ્રકાશમાં આવી છે. અહીં એક પાવર ટ્રાન્સફોર્મરમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો, જેને કારણે તેમાંથી નીકળેલું ઓઇલ આસપાસ ફેલાઈ ગયું અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ આગ જોતજોતામાં નજીકની બે મોટી ફેક્ટરીઓ સુધી પહોંચી ગઈ હતી. ફેક્ટરીમાં કામ કરી રહેલા પાંચ કર્મચારીઓ આ ઘટનામાં ગંભીર રીતે દાઝ્યાં હતાં, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની ટીમોએ કલાકોની મુશ્કેલી બાદ ફેક્ટરીની આગ પર કાબૂ મેળવ્યો હતો.