અમદાવાદઃ ગુજરાત હાઈ કોર્ટે વધુ એક સીમાચિહ્ન રૂપ ચુકાદો આપ્યો હતો. માતા-પિતાની જવાબદારીની અતૂટ પ્રકૃતિને મજબૂત કરતા એક મહત્વપૂર્ણ ચુકાદામાં, ગુજરાત હાઈ કોર્ટે ઠેરવ્યું કે પિતા તેના બાળકોના ભરણપોષણમાં ઘટાડો કરવા માટે EMI અથવા લોનના હપ્તાની ચુકવણીને કારણ તરીકે દર્શાવી શકે નહીં. અદાલતે અવલોકન કર્યું કે બાળકની પાયાની જરૂરિયાતો, જેમાં ખોરાક, કપડાં, આશ્રય, તબીબી સંભાળ અને શિક્ષણનો સમાવેશ થાય છે, તેને પિતાની સ્વૈચ્છિક આર્થિક જવાબદારીઓ કરતા પ્રાથમિકતા આપવી જોઈએ.
કોર્ટે શું કહ્યું
આ બાબતની સુનાવણી કરતા ન્યાયાધીશે કહ્યું કે લોન અને આર્થિક જવાબદારીઓ આધુનિક જીવનનો ભાગ હોઈ શકે છે, પરંતુ ભરણપોષણની જવાબદારી નક્કી કરતી વખતે તેને જરૂરી ખર્ચ તરીકે ગણી શકાય નહીં. પિતાની અન્ય આર્થિક જવાબદારીઓ ગમે તે હોય, તેના બાળકો પ્રત્યેની તેની જવાબદારી સર્વોપરી રહે છે તેમ પણ કોર્ટે જણાવ્યું હતું.
શું હતો મામલો
આ કેસ પિતાના પ્રથમ લગ્નથી જન્મેલા ત્રણ બાળકો સાથે જોડાયેલા વિવાદમાંથી ઉદ્ભવ્યો હતો. તેમની માતાએ અગાઉ મેજિસ્ટ્રેટ કોર્ટમાંથી દર મહિને ₹1,800ના ભરણપોષણનો આદેશ મેળવ્યો હતો. બાદમાં તેણીએ રકમ વધારવા માટે માંગ કરી હતી. જોકે, ફેમિલી કોર્ટે તેણીની અરજી ફગાવી દીધી હતી અને અવલોકન કર્યું હતું કે તેણીએ તેના વધેલા પગાર અને બાળકોને મળતી સ્કોલરશીપ અંગેની વિગતો છુપાવી હતી.
હાઈ કોર્ટ સમક્ષ પિતાએ દલીલ કરી હતી કે માતાની આવક તેની પોતાની આવક કરતા ઘણી વધારે છે. તેણે દાવો કર્યો કે તે દર મહિને ₹14,600 કમાય છે, જ્યારે માતા ₹40,000 થી વધુ કમાય છે. તેણે વધુમાં જણાવ્યું કે તેની આવકનો મોટો હિસ્સો EMI ચૂકવવામાં, તેમજ તેની બીજી પત્ની અને તેમના બાળકના ખર્ચમાં જાય છે.
ન્યાયાધીશે 'રજનીશ વિરુદ્ધ નેહા'ના ઐતિહાસિક ચુકાદાને ટાંકીને આ દલીલને ફગાવી દીધી હતી. કોર્ટે નોંધ્યું હતું કે પત્ની કમાતી હોય તો પણ તેના બાળકોને ટેકો આપવાની પિતાની જવાબદારી સમાપ્ત થતી નથી. ફેમિલી કોર્ટના ભરણપોષણ વધારવાના ઇનકારને રદબાતલ ઠેરવતા, હાઈ કોર્ટે પિતાને જુલાઈ 2019 થી અમલમાં આવે તે રીતે દર મહિને કુલ ₹3,000 ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો.