Mon Sep 14 2026

Logo

સંસદમાં LPG મુદ્દે હોબાળો: નિર્મલા સીતારમણનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું વિપક્ષ સાંભળવા તૈયાર નથી

2026-03-13 17:14:30
Author: Mumbai Samachar Team
સંસદમાં LPG મુદ્દે હોબાળો: નિર્મલા સીતારમણનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું વિપક્ષ સાંભળવા તૈયાર નથી

નવી દિલ્હીઃ લોકસભામાં LPG ગેસની કટોકટીને લઈને તથા ઊર્જા સંકટ મુદ્દે  વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસ પાર્ટીના નેતાઓ પોતાના નેતા સાથે ગેસના બાટલાના પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કરવા ઉતર્યા છે. LPG ગેસની કટોકટી પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે વિપક્ષ પર ટોણો માર્યો હતો. મંત્રીએ કહ્યું હતું કે, દેશમાં સરકાર કોઈ પણ પ્રકારની અણધારી સ્થિતિ સામે લડવા અને તેનો ઉકેલ લાવવા માટે તૈયાર છે. વિપક્ષ સંસદમાં ચર્ચા કરવાના બદલે હંગામો કરી રહ્યો છે. કોંગ્રેસ કંઈ વાત સાંભળવા માટે જ તૈયાર નથી. 

મંત્રીઓનો આકરો મિજાજ

લોકસભામાં પોતાની વાત કરતા નિર્મલા સીતારમણે કહ્યું હતું કે મુશ્કેલી એ છે કે, જ્યારે સરકાર સપ્લાય ચેઈનમાં શક્ય હોય એ તમામ વિધ્ન તથા LPGની પ્રાપ્યતા જેવા મહત્ત્વના મુદ્દાઓ પર પોતાની તૈયારીઓ દર્શાવી રહી છે પણ વિપક્ષ સાંભળવા તૈયાર નથી. વિપક્ષ અમારો જવાબ સાંભળવા માટે પણ તૈયાર નથી. 

તેઓ પોતાના એજન્ડા ચલાવવા માગે છે. સંસદના પગથિયે બેસીને ચા પી રહ્યા છે અને LPG ગેસના વિષય પર પોતાની વાત કરી રહ્યા છે. આ આપણા દેશનો વિપક્ષ છે. અન્ય દેશમાં હાલાત ખરાબ થયા બાદ ભારતમાં કેટલીક મુશ્કેલીઓ ઊભી થઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર પૂરતા પ્રયાસ કરી રહી છે. 

આ ખરેખર યોગ્ય નથી

ફંડ તૈયાર કરવાથી લઈને અન્ય કેટલાક વિષયો પર જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે.પણ વિપક્ષ પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે. નિવેદન એવા કરી રહી છે કે, પ્રજામાં એક નકારાત્મક છબી ઉપસે. બેજવાબદાર વ્યવહાર વિપક્ષ કરી રહ્યો છે. અમે આની નિંદા કરીએ છીએ.

વિપક્ષે ખોટી ચર્ચાઓ છોડીને કટોકટીની સ્થિતિમાં દેશહિતને પ્રાધાન્ય આપીને વિચારવું જોઈએ. ખોટી રૂપરેખાથી ઉપર આવીને વિચારવું જોઈએ. નાગરિકોને કોઈ પ્રકારે મુશ્કેલી ઊભી ન થાય એ માટે વડા પ્રધાન મોદી શક્ય એટલા પૂરતા પ્રયાસ કરી રહ્યા છે. સંસદમાં વિપક્ષ માત્ર હંગામો કરવામાં જ માને છે. આ ખરેખર યોગ્ય નથી.