અમરેલીઃ રાજુલામાં ગિરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય પ્રધાન સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે નિલેશ કુંભાણી પણ જોવા મળ્યા હતા. 2024ની લોકસભા ચૂંટણીમાં સુરત સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર કુંભાણીએ ડ્રામા કર્યો હતો. જેના પરિણામે સુરતની લોકસભા સીટ પર ભાજપની બિનહરીફ જીત થઈ હતી.
કુંભાણીનો ઘટસ્ફોટ
કુંભાણીએ કહ્યું, મેં 2017નો બદલો 2024ની લોકસભા ચૂંટણીમાં લીધો હતો. 2017માં કોંગ્રેસે મને ટિકિટ આપી, મહેનત કરાવી અને છેલ્લી ઘડીએ પૈસા લઈને મારી ટિકિટ કાપી નાંખી હતી. તેથી હું તેનો બદલો લેવા તડપતો હતો. 2024 લોકસભા ચૂંટણીમાં મને કોંગ્રેસે સુરતથી ટિકિટ આપી અને મેં હિસાબ સરભર કરી દીધો.
આ ઉપરાંત કુંભાણીએ કહ્યું, આવનારી ચૂંટણીમાં કોંગ્રેસને એક પણ સીટ નહીં મળે. કોંગ્રેસમાં સંગઠનનો અભાવ જોવા મળી રહ્યો છે. તેમજ તેમણે આડકતરી રીતે ભાજપમાં જોડવાનું પણ સિગ્નલ આપ્યું હતું. કુંભાણીએ કહ્યું, ભાજપ ઓફર કરે તો તેઓ પક્ષમાં જોડાઈ શકે છે. જો નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે તો સુરત અને અમરેલીના રાજકારણમાં મોટા સમીકરણો બદલાશે. પાટીદાર વોટ બેંક પર તેની સીધી અસર પડી શકે છે.
કોણ છે નિલેશ કુંભાણી
નિલેશ કુંભાણી મૂળ કોંગ્રેસી છે. તેઓ પાટીદાર આંદોલનમાં ખૂબ જ સક્રિય હતા અને એ વખતે તેમની ઓફિસ અગત્યનું સેન્ટર બની ગઈ હતી. તેઓ 2015થી 2020 સુધીના સમયગાળા દરમિયાન ભાજપના કોર્પોરેટરોના ઉમેદવારોને હરાવી કોંગ્રેસમાંથી કોર્પોરેટર પણ બન્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં કામરેજ બેઠક પરથી તેમનો પરાજય થયો હતો. બે ચૂંટણી હાર્યા બાદ પણ નિલેશ કુંભાણી ખાસ કરીને વરાછા રોડ, કતારગામ વિસ્તારમાં જાણીતું નામ બન્યા હતા. પાટીદાર સમાજમાંથી આવતા હોવાના કારણે 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે તેમને ટિકિટ આપી હતી. 2024માં સુરત લોકસભા બેઠકમા કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યા બાદ પરત ખેચ્યું હતું. જેને કારણે કોંગ્રેસ જીત પહેલા જ મેદાનમાંથી બહાર ફેંકાઈ ગયું હતું. આ ઘટના બાદ કોંગ્રેસ દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.