મેદુગુરી: નાઈજીરિયાનો બોર્નો સ્ટેટ ફરી એકવાર આતંકી હુમલાથી ધ્રૂજી ઉઠ્યું છે. સોમવારની રાત્રે રાજ્યની રાજધાની મેદુગુરીમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોએ સમગ્ર દેશમાં સનસનાટી મચાવી દીધી છે. આ હુમલાઓમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હોવાની આશંકા છે, જ્યારે સેંકડો લોકો લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ પહોંચ્યા છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ સુસાઈડ બોમ્બર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આતંકવાદની સમસ્યાથી વર્ષોથી ઘેરાયેલા નાઈજીરિયા માટે આ ઘટના સુરક્ષા વ્યવસ્થા સામે મોટો પડકાર બનીને ઉભરી છે.
નેશનલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના જણાવ્યા અનુસાર, વિસ્ફોટો મુખ્યત્વે ત્રણ મહત્વના સ્થળોએ થયા હતા. જેમાં 'મેદુગુરી યુનિવર્સિટી ટીચિંગ હોસ્પિટલ'નો મુખ્ય દ્વાર અને શહેરના બે સૌથી વ્યસ્ત બજારો 'પોસ્ટ ઓફિસ' અને 'મંડે માર્કેટ'નો સમાવેશ થાય છે. રાત્રિના સમયે થયેલા આ ધડાકાઓને કારણે આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. અધિકારીઓના મતે હજુ સુધી કોઈ પણ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી, પરંતુ આ વિસ્તારમાં 'બોકો હરામ' જેવું સંગઠન સક્રિય હોવાથી આશંકા સેવાઈ રહી છે.
વિસ્ફોટ બાદ બચાવ કામગીરીમાં જોડાયેલા સ્થાનિકો જણાવ્યા અનુસાર પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. સ્થાનિક સ્વયંસેવકોએ અત્યાર સુધીમાં 200થી વધુ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યા છે. બચાવ જૂથના સભ્યોએ બજારોમાંથી અત્યાર સુધીમાં 10 જેટલા મૃતદેહો બહાર કાઢ્યા છે. ઈમરજન્સી સેવાઓના વડા સિરાજો અબ્દુલ્લાહીએ જણાવ્યું હતું કે, હજુ પણ ઘણા લોકો ગંભીર હાલતમાં હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. સમગ્ર વિસ્તારને સુરક્ષા દળોએ કોર્ડન કરી લીધો છે અને તપાસ તેજ કરી દેવામાં આવી છે.
બોર્નોના ગવર્નર બાબા ગાના ઉમારા ઝુલુમે આ કાયરતાપૂર્ણ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી છે અને પીડિતોને તમામ મદદ પહોંચાડવાની ખાતરી આપી છે. રસપ્રદ વાત એ છે કે, આ વિસ્ફોટોના થોડા કલાકો પહેલા જ નાઈજીરિયાની સેનાએ મેદુગુરીના બહારના વિસ્તારમાં આતંકીઓના હુમલાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યાનો દાવો કર્યો હતો. જોકે, મુખ્ય શહેરમાં થયેલા આ ધડાકાઓએ સુરક્ષા એજન્સીઓની ઊંઘ હરામ કરી દીધી છે. નાઈજીરિયા ખાસ કરીને ઉત્તરી ભાગમાં વર્ષોથી આતંકી જૂથો સામે લડી રહ્યંમ છે, જે હવે સામાન્ય નાગરિકો માટે જીવલેણ બની રહ્યું છે.