કોલકાતા: પશ્ચિમ બંગાળમાં માલદામાં ન્યાયિક અધિકારીઓના ઘેરાવ કરવાના કેસમાં એનઆઇએ મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ એનઆઇએ પ્રથમ ધરપકડ કરી છે. એનઆઇએ ઇન્ડિયન સેક્યુલર ફ્રન્ટ (ISF)ના પંચાયત સભ્ય ગોલામ રબ્બાનીની ધરપકડ કરી છે.
એનઆઇએને રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું
સુપ્રીમ કોર્ટની નારાજગી બાદ ચૂંટણી પંચે આ કેસની તપાસ એનઆઇએને સોંપવાની જાણ કરી હતી અને કોર્ટે આ કેસની તપાસ કરીને એનઆઇએને રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. જેની બાદ એનઆઇએ આ કેસમાં સાત ન્યાયિક અધિકારીઓ પર કથિત અટકાયત અને હુમલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. આ ઘટનાએ પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે.
એનઆઇએ હવે આ મામલામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે
આ પૂર્વે સ્થાનિક પોલીસ અને સીઆઇડી એ સંયુક્ત રીતે આ કેસમાં ઘણા લોકોની ધરપકડ કરી હતી. જો કે, એનઆઇએ દ્વારા આ પ્રથમ ધરપકડ છે, જે દર્શાવે છે કે એનઆઇએ હવે આ મામલામાં વધુ તપાસ કરી રહી છે અને આરોપીઓને શોધી રહી છે.
પશ્ચિમ બંગાળમાં રાજકીય વાતાવરણ ગરમાયુ
સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં આ કેસમાં વધુ ધરપકડો થઇ શકે છે. એનઆઇએ કોલ ડિટેલ્સ, ડિજિટલ પુરાવા અને ઘટનાસ્થળે હાજર લોકોની પૂછપરછના આધારે તેની તપાસ આગળ વધારી રહી છે. આ સમગ્ર ઘટનાએ માલદા સહિત સમગ્ર પશ્ચિમ બંગાળમાં રાજકીય વાતાવરણ ગરમાયુ છે.