Mon Jul 06 2026

Logo

નેમાર હાર્યો, ખૂબ રડ્યો અને નિવૃત્તિ જાહેર કરી દીધી

New York   2026-07-06 12:32:00
Author: Ajay Motiwala
Article Image

બ્રાઝિલ વતી સૌથી વધુ 80 ગોલ નેમારના

ન્યૂ યોર્ક: ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપની પ્રી-કવૉર્ટર ફાઈનલમાં સોમવારે નોર્વે સામે બ્રાઝિલનો 1-2થી પરાજય થયો અને ત્યાર બાદ થોડી જ વારમાં બ્રાઝિલના સુપરસ્ટાર ફૂટબોલર નેમાર જુનિયરે ઈજાથી પરેશાન થઈને આંતરરાષ્ટ્રીય ફૂટબૉલમાંથી છેવટે રિટાયરમેન્ટ જાહેર કરી દીધું હતું. આ મૅચમાં બ્રાઝિલ વતી થયેલો એકમાત્ર ગોલ નેમારે પેનલ્ટી કિકની મદદથી કર્યો હતો.

નેમાર નોર્વે સામેની શૉકિંગ હાર બાદ મેદાન પર બેઠો-બેઠો ખૂબ રડ્યો હતો. સાથી ખેલાડીઓ તેને શાંત પાડીને પાછા લઈ ગયા હતા. નેમારે ઇન્ટરનેશનલ ફૂટબૉલમાંથી રિટાયરમેન્ટ (RETIREMENT) લીધું છે, પણ ક્લબ સ્તરની પ્રોફેશનલ ફૂટબૉલમાં તેનું ભાવિ શું છે એ હજી તેણે નક્કી નથી કર્યું.

જ્યાં કરીઅર શરૂ કરી ત્યાં જ અંત લાવી દીધો

34 વર્ષીય નેમાર (Neymar)ની 16 વર્ષની શાનદાર કારકિર્દીનો પરાજય સાથે અંત આવી ગયો છે. ‘ઈટ ઇઝ નાવ ઓવર' બોલીને નેમારે નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. તેના રિટાયરમેન્ટ સાથે ફૂટબૉલ જગતના મહાન ખેલાડીઓમાં ગણાતા નેમારે ઓચિંતી નિવૃત્તિ જાહેર કરીને કરોડો ચાહકોને નિરાશ કર્યા છે. તેણે મૅચ પછી કહ્યું, ‘મેં કારકિર્દી ચાલુ રાખવા ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ નિર્ણય લઈ જ લીધો. અહીં ન્યૂ યોર્કના મેટલાઈફ સ્ટેડિયમમાં મેં કારકિર્દીની શરૂ કરી હતી અને અહીં જ મેં પૂરી કરી.'

નેમારની કારકિર્દીની આંકડાબાજી

(1) બ્રાઝિલ વતી રમી ચૂકેલા તમામ ખેલાડીઓમાં નેમાર 80 આંતરરાષ્ટ્રીય ગોલ સાથે મોખરે છે.

(2) બ્રાઝિલ વતી નેમાર કુલ 130 મૅચ રમ્યો અને એમાં તેણે સાથી ખેલાડીઓને કુલ મળીને 59 ગોલ કરવામાં મદદ કરી હતી. તેની આ સહાય ‘આસિસ્ટ' તરીકે ઓળખાય છે.

(3) 2016 માં બ્રાઝિલમાં આયોજિત ઑલિમ્પિક ગેમ્સમાં નેમારની કેપ્ટન્સીમાં બ્રાઝિલે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

(4) બ્રાઝિલ વતી નેમાર કુલ ચાર ફિફા વર્લ્ડ કપ અને બે ઓલિમ્પિક્સ રમ્યો.

(5) 2026ના વર્લ્ડ કપમાં બ્રાઝિલ વતી નેમાર પાંચ મૅચમાંથી ફક્ત બે મૅચમાં સબસ્ટિટ્યૂટ તરીકે રમ્યો. એ સાથે, આ વર્લ્ડ કપમાં તે માત્ર 37 મિનિટ રમ્યો અને છેવટે નિવૃત્તિ લઈ લીધી.