અમદાવાદઃ ટ્રેનમાં મુસાફરી કરતાં ગુજરાત અને રાજસ્થાનના મુસાફરો માટે સારા સમાચાર છે. અમદાવાદથી બીકાનેર વચ્ચે નવી ટ્રેન શરૂ થશે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ લીલીઝંડી આપીને નવી ટ્રેન સેવાની શરૂઆત કરાવશે.
મળતી વિગત પ્રમાણે, ગુજરાત અને રાજસ્થાનના પ્રવાસીઓ વચ્ચે રેલવે જોડાણને મજબૂત બનાવવાના હેતુથી ટૂંક સમયમાં સાબરમતી-બીકાનેર એક્સપ્રેસ શરૂ કરવામાં આવશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આ ટ્રેન સેવાનું લોકાર્પણ કરશે. આશરે 740 કિમીની સફર કાપનારી આ ટ્રેન ગુજરાતના અમદાવાદ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા જ્યારે રાજસ્થાનના જાલોર, બાલોતરા, જોધપુર, નાગૌર અને બીકાનેર જિલ્લાના મુસાફરો માટે આશીર્વાદ રૂપ સાબિત થશે.
કયા સ્ટેશનો પર રોકાશે ટ્રેન
સાબરમતી-બીકાનેર એક્સપ્રેસ સાબરમતી, મહેસાણા, પાટણ, ભીલડી, ધાનેરા, રાણીવાડા, મારવાડ, ભીનમાલ, જાલોર, મોકલસર, સમદડી, લુણી, જોધપુર, ગોટન, મેઢતા રોડ, નાગૌર, નોખા, બીકાનેર અને લાલગઢ સહિતના સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેન સેવા શરૂ થવાથી બંને રાજ્યો વચ્ચે વેપાર, પર્યટન અને સાંસ્કૃતિક આદાન પ્રદાનને પ્રોત્સાહન મળશે.
કોને થશે લાભ
આ ટ્રેન શરૂ થવાથી વિદ્યાર્થીઓ, નોકરિયાતો, વેપારીઓ અને ટ્રેનમાં રોજિંદી મુસાફરી કરતા લોકોને લાભ થશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રેલ મંત્રીએ રાજસ્થાનમાં વંદે ભારત એક્સપ્રેસના વિસ્તરણ અને નવી સેવાઓ દ્વારા રેલ માળખાને વધુ આધુનિક બનાવવામાં આવતું હોવાનું જણાવ્યું હતું.