આજે ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો દિવસ અને આવતીકાલથી શરૂ થશે માર્ચ મહિનો ત્યારે વાત કરીએ આવતીકાલથી બદલાઈ રહેલાં કેટલા મહત્ત્વના નિયમો વિશે, જેની અસર તમારા ખિસ્સા પર ચોક્કસ જોવા મળશે. પહેલી માર્ચ, 2026થી દેશમાં સામાન્ય માણસના રોજિંદા જીવન અને આર્થિક વ્યવહારો સાથે જોડાયેલા અનેક નિયમો બદલાવા જઈ રહ્યા છે. આ નિયમોમાં રેલવે મુસાફરીથી લઈને ડિજિટલ પેમેન્ટ અને ગેસ સિલિન્ડરના ભાવ સુધીના આ ફેરફારો તમારા બજેટ અને સુરક્ષા પર સીધી અસર કરશે. ચાલો જાણીએ કયા છે આ 5 મહત્વના ફેરફારો...
રેલવે ટિકિટ બુકિંગ: જૂની યૂટીએસ એપ થશે બંધ
રેલવેમાં મુસાફરી કરનારા મુસાફરો માટે સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે આવતીકાલથી એટલે કે પહેલી માર્ચથી રેલવેની જૂની યુટીએસ એપ કામ કરતી બંધ થઈ જશે. આ સાથે જ હવેથી અનરિઝર્વ્ડ (જનરલ) અને પ્લેટફોર્મ ટિકિટ બુક કરવા માટે નવી 'RailOne' (રેલવન) એપનો ઉપયોગ કરવો પડશે. મુસાફરોએ સ્ટેશન પર છેલ્લી ઘડીની હાલાકીથી બચવા માટે અત્યારથી જ આ નવી એપ ડાઉનલોડ કરી લેવી જોઈએ.

રસોઈ ગેસ અને ઈંધણના ભાવમાં ફેરફાર
દર મહિનાની પહેલી તારીખે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા LPG (ઘરગથ્થુ અને કોમર્શિયલ) સિલિન્ડરના નવા ભાવ જાહેર કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવની સ્થિતિ જોતા આ વખતે રસોઈ ગેસ, સીએનજી અને પીએનજીના ભાવમાં વધ-ઘટ થવાની પૂરી શક્યતા છે, જે ગૃહિણીઓના રસોડાના બજેટને અસર કરશે.

ડિજિટલ સુરક્ષા: 'સિમ બાઇન્ડિંગ' થશે ફરજિયાત
ઓનલાઈન ફ્રોડ અને ફેક એકાઉન્ટ્સ રોકવા માટે સરકાર પહેલી માર્ચથી કડક વલણ અપનાવી રહી છે. હવે વોટ્સએપ અને ટેલિગ્રામ જેવી મેસેજિંગ એપ્સ માટે 'સિમ બાઇન્ડિંગ' અનિવાર્ય બનશે. એટલે કે, જો તમારી એપ એક્ટિવ સિમ કાર્ડ સાથે લિંક નહીં હોય, તો તમે તેનો ઉપયોગ કરી શકશો નહીં. વોટ્સએપ વેબ અને મલ્ટી-ડિવાઇસ લોગિન પર પણ નવા અંકુશ આવી શકે છે.

યુપીઆઈ પેમેન્ટ: મોટી રકમના ટ્રાન્ઝેક્શન પર વધારાની સુરક્ષા
જો તમે યુપીઆઈ દ્વારા મોટી રકમની લેવડ-દેવડ કરો છો, તો હવે માત્ર પિન પિનથી કામ નહીં ચાલે. પહેલી માર્ચથી હાઇ-વેલ્યુ ટ્રાન્ઝેક્શન માટે બૅન્કો બાયોમેટ્રિક્સ (ફિંગરપ્રિન્ટ કે ફેસ આઈડી) અથવા મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશન (એમએફએ) ફરજિયાત બનાવશે. આ પગલું ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવા માટે લેવામાં આવ્યું છે.

બૅન્ક મિનિમમ બેલેન્સ: દંડના નિયમોમાં મોટી રાહત
સરકારી બૅન્કોના ગ્રાહકો માટે પહેલી માર્ચથી સારા સમાચાર છે. હવે એકાદ દિવસ બેલેન્સ ઓછું થવા પર સીધો દંડ વસૂલવાને બદલે 'એવરેજ મંથલી બેલેન્સ' (એએમબી)ના આધારે ગણતરી થશે. એટલે કે, જો આખા મહિનાની સરેરાશ જળવાઈ રહેશે તો દંડ લાગશે નહીં. આનાથી સામાન્ય ખાતાધારકોને અચાનક લાગતી પેનલ્ટીમાંથી મોટી રાહત મળશે.