નેપાળમાં આગામી 5 માર્ચે યોજાનારી ચૂંટણીને લઈને દેશભરમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. 'Gen-Z' ક્રાંતિ પછી આ દેશની પ્રથમ મોટી ચૂંટણી છે, જ્યાં યુવા પેઢીએ ભ્રષ્ટાચાર અને અસમાનતા વિરુદ્ધ અવાજ ઉઠાવીને સત્તા પરિવર્તનનો પાયો નાખ્યો હતો. આ વખતે પણ ચૂંટણીના કેન્દ્રમાં રોજગારી, મહિલા અધિકાર અને દેશમાંથી થઈ રહેલું વ્યાપક પલાયન જેવા ગંભીર મુદ્દાઓ છવાયેલા છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે જે મતદારોએ નેપાળનું ભવિષ્ય નક્કી કરવાનું છે, તેમાંથી લાખો લોકો હાલ ભારતમાં મજૂરી કરી રહ્યા છે.
ભારતના વિવિધ શહેરોમાં વર્ષોથી વસતા નેપાલી શ્રમિકોની વ્યથા કંઈક અલગ જ છે. એક મીડિયા ઈન્ટરવ્યૂમાં મહારાષ્ટ્રમાં રહેતા 55 વર્ષીય મૂળ નેપાળના સ્થાનિકનું કહેવું છે કે તેમને નેપાળ કરતા ભારતની રાજનીતિની વધુ સમજ છે, કારણ કે તેઓ છેલ્લા 40 વર્ષથી અહીં કામ કરે છે. અછામ જિલ્લાના રહેવાસી એવા શાહીએ પહેલીવાર ઘરે જઈને મતદાર યાદીમાં નામ તો નોંધાવ્યું હતું, પણ રોજગારીના કારણે ક્યારેય વોટ આપવા જઈ શક્યા નથી. તેમના મતે હવે માત્ર પુખ્ત વયના લોકો જ નહીં, પણ નાના બાળકો પણ શિક્ષણ છોડીને કામની શોધમાં ભારત તરફ વળી રહ્યા છે.
અત્યાર સુધી માત્ર પુરુષો જ રોજગારી માટે ભારત આવતા હતા, પરંતુ હવે નેપાળના પહાડી અને ગ્રામીણ વિસ્તારોમાંથી મહિલાઓ પણ મોટી સંખ્યામાં પલાયન કરી રહી છે. બિહારમાં ઘરકામ કરતી ખીમા નામની મહિલા પહેલા એક રાજકીય એક્ટિવિસ્ટ હતી, પરંતુ નેપાળમાં આર્થિક તકોના અભાવે તેને વિદેશ (ભારત) આવીને મજૂરી કરવાની ફરજ પડી છે. નેપાલી મહિલાઓ ભારતમાં સફાઈ કામ, વડીલોની સંભાળ અને હોસ્પિટાલિટી ક્ષેત્રે જોડાઈ રહી છે. આ શ્રમિકોનું કહેવું છે કે કામ છોડીને મતદાન કરવા જવું તેમના માટે પરવડે તેમ નથી.
આંકડા મુજબ અંદાજે 50 લાખ નેપાલી નાગરિકો ભારતમાં રહે છે અને મજૂરી કરે છે. ખાસ કરીને નેપાળના સુદૂર-પશ્ચિમ પ્રાંતના અછામ જિલ્લાના જ 73,000 થી વધુ લોકો ભારતમાં છે. આ વિશાળ સંખ્યામાં મતદારોની ગેરહાજરીને કારણે નેપાળના ગામડાઓમાં ચૂંટણીનો માહોલ ફિક્કો જણાઈ રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં હવે માત્ર વૃદ્ધો અને બાળકો જ બચ્યા છે. શ્રમિકોની માંગ છે કે જે નેતાઓ માત્ર ખોટા વાયદા કરે છે તેમને બદલે આ વખતે મજૂરોનો અવાજ સત્તાના સિંહાસન સુધી પહોંચવો જોઈએ.