ગાંધીનગરઃ ગુજરાતમાં નવજાત બાળકોને આઈસીયુ જેવી સુવિધા મળી રહે તે માટે 11 નવી અદ્યતન નિયોનેટલ એમ્બ્યુલન્સને સ્વર્ણિમ સંકુલ-2થી લીલી ઝંડી આપવામાં આવી હતી. રાજ્ય સરકાર નવજાત શિશુઓને સમયસર અને ગુણવત્તાસભર સારવાર મળે તે માટે સતત પ્રયત્નશીલ છે. જે અંતર્ગત નવી શરૂ કરાયેલ આ એમ્બ્યુલન્સમાં વેન્ટિલેટર, ઈન્ક્યુબેટર સહિત જીવનરક્ષક આધુનિક તબીબી ઉપકરણો ઉપલબ્ધ રહેશે, જેથી ગંભીર હાલતમાં રહેલા નવજાત શિશુઓને એક આરોગ્ય કેન્દ્રથી સુવિધાસભર મોટી હોસ્પિટલ સુધી સલામત રીતે પહોંચાડી શકાશે
નવજાત શિશુઓની સુરક્ષા માટે ૧૧ નવી 'નિયોનેટલ એમ્બ્યુલન્સ'નું ગાંધીનગરથી લોકાર્પણ...
— Praful Pansheriya (@prafulpbjp) February 18, 2026
🚑 રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નવજાત શિશુઓને સમયસર તેમજ સચોટ સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. pic.twitter.com/UYxf8qmV7r
આ 11 નિયોનેટલ એમ્બ્યુલન્સ સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સુરત, ડાંગ, તાપી, જુનાગઢ અને રાજકોટ જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં કાર્યરત થશે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં જન્મેલા ગંભીર સ્થિતિના શિશુઓ માટે આ સેવા જીવનદાયી સાબિત થશે.
આ પ્રસંગે આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે સંકલ્પ કર્યો છે કે સારવારના અભાવે એકપણ નવજાત શિશુનું મૃત્યુ ન થાય. આ નવી એમ્બ્યુલન્સ નવજાત શિશુ મૃત્યુદરમાં ઘટાડો લાવવા માટે મોખરાનું સાધન બનશે. ગ્રામ્ય વિસ્તારોમાં ડિલિવરી બાદ બાળકને તાત્કાલિક ઉચ્ચ સારવારની જરૂર પડે ત્યારે હવે અદ્યતન સુવિધાસભર એમ્બ્યુલન્સ દ્વારા ઝડપી અને સુરક્ષિત ટ્રાન્સફર શક્ય બનશે.