Thu Aug 20 2026

Logo

કૉમનવેલ્થમાં પવને તીવ્ર ગતિએ દિશા બદલી અને નીરજ ચોપડા સહિત તમામ સ્પર્ધકોના ભાલા...

Glasgow   2026-07-30 21:03:37
Author: Ajay Motiwala
Article Image

ગ્લાસગો (સ્કૉટલૅન્ડ)ઃ ઑલિમ્પિક-હીરો નીરજ ચોપડા સહિત ત્રણ ભારતીય સ્પર્ધકોએ કૉમનવેલ્થ ગેમ્સમાં ભાલાફેંક (Javelin Throw)માં સ્પર્ધાની શુક્રવારની ફાઇનલમાં જે ભારે સંઘર્ષ પછી પ્રવેશ મેળવ્યો એવો અનુભવ આ જ રમતની સ્પર્ધાના બીજા ઍથ્લીટોને પણ થયો હતો જેમાં બન્યું એવું કે 12માંથી એક પણ ઍથ્લીટને ફાઇનલમાં ઑટોમેટિક ક્વૉલિફિકેશન નહોતું મળી શક્યું. દરેક સ્પર્ધકે પોતાના અસંતુષ્ટ પર્ફોર્મન્સ સાથે ભારે પ્રયાસો બાદ ફાઇનલમાં એન્ટ્રી કરી હતી.

નીરજ સહિત ત્રણ ભારતીય ફાઇનલમાં

ભારત વતી નીરજ (Neeraj) ઉપરાંત રોહિત યાદવ અને યશવીર સિંહે પણ શુક્રવારના ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો હતો. ગુરુવારે ક્વૉલિફિકેશન રાઉન્ડમાંથી 12 સ્પર્ધકને ફાઇનલમાં એન્ટ્રી મળવાની હતી. જોકે 18 ડિગ્રી તાપમાન વચ્ચે સૂસવાટા સાથે તીવ્ર ગતિએ પવન ફૂંકાતાં નીરજ, રોહિત યાદવ અને યશવીર સહિત દરેક સ્પર્ધક ફાઇનલમાં આપોઆપ પ્રવેશ મેળવવા માટેની 84 મીટરની મર્યાદા નહોતો ઓળંગી શક્યો. એકંદરે દરેક સ્પર્ધક ભાલો ધારણા જેટલો દૂર નહોતો ફેંકી શક્યો.

ગ્લાસગોમાં સ્પર્ધાના સ્થળે પવનની દિશા વારંવાર બદલાઈ હતી. દરેક દિશામાંથી પવન ફૂંકાતો હોવાથી કોઈ પણ સ્પર્ધક નિયત સમયે પોતાના નિર્ધારિત રાઉન્ડમાં ભાલો નહોતો ફેંકી શક્યો.

મારા સહિત કોઈ સંતુષ્ટ નહીંઃ નીરજ

કૉમનવેલ્થ ગેમ્સમાં ભાલાફેંકની સ્પર્ધામાં ભારતનો ઑલિમ્પિક વિજેતા નીરજ ચોપડા ક્વૉલિફિકેશન રાઉન્ડમાં 79.61 મીટરના સર્વશ્રેષ્ઠ અંતર સાથે પાંચમા ક્રમે આવતાં ફાઇનલ માટે ક્વૉલિફાય થયો હતો. 2018ની કૉમનવેલ્થમાં તે ગોલ્ડ જીત્યો હતો. ભારતના રોહિત યાદવ (78.37 મીટર) અને યશવીર સિંહ (78.36 મીટર) અનુક્રમે નવમા અને દસમા નંબર પર રહેતાં તેમને પણ ફાઇનલમાં પ્રવેશ મળ્યો હતો.

ભાલો સૌથી વધુ (82.84 મીટર) દૂર શ્રીલંકાના ફેંક્યો હતો. ગે્રનાડાનો ઍન્ડરસન પીટર્સ (81.29 મીટર) બીજા નંબરે હતો. નીરજે ત્રીજા રાઉન્ડમાં ભાગ લેવો જ નહોતો પડ્યો, કારણકે તેણે બે જ રાઉન્ડમાં ફાઇનલ માટેનું ક્વૉલિફિકેશન મેળવી લીધું હતું. નીરજે પત્રકારોને કહ્યું, `ભારે પવનને કારણે મારા સહિત દરેક સ્પર્ધક પોતાની ધારણા મુજબ ભાલો દૂર નહોતો ફેંકી શક્યો. હું મારા પર્ફોર્મન્સથી ખુશ નહોતો એમ બીજા સ્પર્ધકો પણ નહીં જ હોય.'