Tue Sep 22 2026

Logo

નાશિકમાં ધરતીકંપના હળવા આંચકા: અનેક ઘરોમાં તિરાડો પડી

2026-08-09 17:20:11
Author: Sapna Desai
નાશિકમાં ધરતીકંપના હળવા આંચકા: અનેક ઘરોમાં તિરાડો પડી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નાશિકમાં રવિવારે હળવો ધરતીકંપ આવ્યા બાદ  જિલ્લાના કેટલાક વિસ્તારોમાં તિરાડો પડી હતી. કોઈ જાનહાનિના અહેવાલ ન હોવાનું અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું. 
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) મુજબ, શનિવારે રાત્રે ૧૦ વાગ્યે નાશિકમાં ૪.૩ ની તીવ્રતાનો ધરતીકંપ આવ્યો હતો, ત્યારબાદ રવિવારે વહેલી સવારે ૫.૩૩ વાગ્યે ૩.૩ ની તીવ્રતાનો ફરી ધરતીકંપ આવ્યો હતો.

અધિકારીઓના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્ર-ગુજરાત સરહદ નજીક હટગડ પર્વતમાળાની નજીક ભાનવડ વિસ્તારમાં પાંચ કિ.મી.ની ઊંડાઈએ ધરતીકંપની પ્રવૃત્તિ નોંધાઈ હતી. જિલ્લાના નાશિક શહેર, સુરગાણા, કાલવાન, દેવલા, ચાંદવાડ, પેઠ, ડિંડોરી અને નિફાડ તાલુકામાં કેટલાક સ્થળોએ ધરતીકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે રહેવાસીઓમાં ગભરાટ વ્યાપી ગયો હતો અને ડરના માર્યા રહેવાસીઓ તેમના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા.

જિલ્લા વહીવટી અધિકારીએ જણાવ્યું હતું કે સુરગાણા તાલુકાના ભાદર અને ડિંડોરી તાલુકાના નાનાશી ખાતે ઘરોની દીવાલોમાં તિરાડો પડી ગઈ છે. કોઈ જાનહાનિના અહેવાલ નથી. વિસ્તારમાં બંધનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ નુકસાન થયું નથી, એમ તેમણે જણાવ્યું હતું.પ્રશાસને નાગરિકોને અપીલ કરી હતી કે લોકોએ ડરવું જોઈએ નહીં અને  તેમણે કોઈપણ અફવાઓ પર વિશ્ર્વાસ  કરવો નહીં. જોકે દરેક વ્યક્તિએ સતર્ક રહેવું જોઈએ અને સુરક્ષાને લઈને સાવચેતી રાખવી જોઈએ. 

 જિલ્લા કલેક્ટર આયુષ પ્રસાદે જણાવ્યું હતું કે આ પહેલા જિલ્લામાં ૨૫ જુલાઈથી ૨૮ જુલાઈ અને છ ઓગસ્ટ દરમ્યાન પણ ધરતીકંપના આંચકા નોંધાયા હતા.