Fri May 01 2026

Logo

કૂવામાં પડેલી કાર પાંચ જ મિનિટમાં પાણીમાં ગરકાવ: બચવા માટે પરિવારે તરફડિયાં માર્યાં, પણ...

2026-04-05 10:59:00
Author: યોગેશ સી પટેલ
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
નાશિકમાં પુરપાટ વેગે આવેલી કાર પાળ તોડીને ઊંડા કૂવામાં પડ્યા પછી પાંચ જ મિનિટમાં પાણીમાં ડૂબી ગઈ હતી. કારમાં હાજર પરિવારે બચવા માટે બહાર નીકળવા તરફડિયાં માર્યાં, પણ મદદ મળી રહે તે પહેલાં કાળ તેમને ભરખી ગયો હોવાનું નજરે જોનારા ગામવાસીઓનું કહેવું છે.

દિંડોરી પોલીસના જણાવ્યા મુજબ ખાનગી ક્લાસીસ દ્વારા રાખવામાં આવેલા મેળાવડામાંથી ઈંદોરે ગામનો દરગોડે પરિવાર કારમાં ઘરે પાછો ફરી રહ્યો હતો. તેજ ગતિથી ચાલતી કારને પાકા રસ્તા પરથી કાચા રસ્તા તરફ વાળવામાં ડ્રાઈવર સુનીલ દરગોડે (32) થાપ ખાઈ ગયો હતો, જેને કારણે કાર પાળ તોડીને કૂવામાં જઈ પડી હતી. ઊંડા કૂવામાં પાણી હોવાથી કાર ડૂબી ગઈ હતી. આ ઘટનામાં છ બાળક સહિત નવ જણે જીવ ગુમાવ્યા હતા.
મળતી માહિતી મુજબ શુક્રવારની રાતે 10.15 વાગ્યે આ ઘટના બની ત્યારે રસ્તો સૂમસામ હતો. પાળ તોડીને કાર કૂવામાં પડી ત્યારે મોટો અવાજ થયો હતો, જે સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા. રહેવાસીઓ મદદ પૂરી પાડે તે પહેલાં પાંચેક મિનિટમાં જ કાર પાણીમાં ડૂબી ગઈ હતી.

રહેવાસીઓના કહેવા મુજબ લગભગ પાંચ મિનિટ સુધી કાર દેખાતી હતી. પછી માત્ર ટેલ લૅમ્પ દેખાયા અને જોતજોતાંમાં કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ. એ દરમિયાન કારમાં હાજર લોકોએ બચવા માટે તરફડિયાં માર્યાં હોવાનું આછા ઉજાસમાં દેખાયું હતું.

પોલીસનું માનવું છે કે કાર કૂવામાં પડી ત્યારે દરવાજાના કાચ બંધ હતા. જોકે કૂવાના પાણીમાં પડ્યા પછી પ્રેશરને કારણે કાચ તૂટ્યા હતા. રહેવાસીઓએ પમ્પ લગાવીને કૂવાનું પાણી બહાર કાઢવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસ અને ફાયર બ્રિગેડ પહોંચતાં જ બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. તરવૈયાઓને કૂવામાં ઉતારવામાં આવ્યા હતા. એ સિવાય બે ક્રેન પણ બોલાવાઈ હતી. ક્રેનની મદદથી લગભગ ત્રણ કલાકે કારને કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું હતું કે કાર કૂવામાંથી બહાર કાઢવામાં આવી ત્યારે સાત મૃતદેહ કારમાં જ હતા, જ્યારે કાચ તૂટવાને કારણે બે બાળકના મૃતદેહ કૂવાના પાણી પર તરતા નજરે પડ્યા હતા. બન્ને મૃતદેહને પણ રસ્સીની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.