Sun Sep 27 2026

Logo

એસઆરપીએફના જવાનની હત્યા: દીકરીના બૉયફ્રેન્ડ સહિત પાંચ પકડાયા

2026-04-03 17:19:00
Author: Yogesh C. Patel
એસઆરપીએફના જવાનની હત્યા: દીકરીના બૉયફ્રેન્ડ સહિત પાંચ પકડાયા

નાગપુર: પ્રેમપ્રકરણનો વિરોધ કરનારા સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (એસઆરપીએફ)ના જવાનની કથિત હત્યા કરવાની નાગપુરમાં બનેલી ઘટનામાં પોલીસે મૃતકની દીકરીના બૉયફ્રેન્ડ સહિત પાંચની ધરપકડ કરી હતી.એમઆઈડીસી પોલીસની હદમાં માતોશ્રી નગર વિસ્તારમાં આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર પંકજ ઠાકુર (42) પર ટોળાએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. આ હુમલામાં ઠાકુરનું મોત નીપજ્યું હતું, જ્યારે તેનો સાળા અર્પિત (30) ગંભીર રીતે ઘવાયો હતો.

પોલીસના જણાવ્યા મુજબ મુખ્ય આરોપી આકાશ હરિદાસ મંડલ (23) અને ઠાકુરની 16 વર્ષની દીકરી વચ્ચે છેલ્લાં બે વર્ષથી પ્રેમસંબંધ હતો. આ સંબંધનો વિરોધ કરનારા ઠાકુરે અનેક વાર તેની દીકરીથી દૂર રહેવાની મંડલને ચેતવણી આપી હતી.ગુરુવારની રાતે સ્થાનિક મંદિરમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી હતી ત્યારે મંડલ ત્યાં આવ્યો હતો. મંડલ ઠાકુરની દીકરી સાથે વાત કરતો હતો ત્યારે ઠાકુરની નજર તેના પર પડી હતી. ઠાકુરે મંડલને ત્યાંથી જતા રહેવાનું કડક શબ્દોમાં કહેતાં બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. ઉગ્ર બોલાચાલી પછી આરોપી તેના ઘરે જતો રહ્યો હતો. થોડી જ મિનિટમાં તે ચાકુ અને સગાંસંબંધી તેમ જ મિત્રો સાથે પાછો ફર્યો હતો.

આરોપીના ટોળાએ ઠાકુર પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. મધ્યસ્થી કરી અર્પિતે મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટોળાએ તેના પર પણ હુમલો કર્યો હતો. ગંભીર અવસ્થામાં બન્નેને શાલિનીતાઈ મેઘે હૉસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તબીબે ઠાકુરને મૃત જાહેર કર્યો હતો. આ પ્રકરણે પોલીસે હત્યાનો ગુનો નોંધી મંડલ, તેના ભાઈ હર્ષદ અને માતા સહિત પાંચની જણની ધરપકડ કરી હતી. વધુ તપાસ પોલીસ કરી રહી છે. (પીટીઆઈ)