Sat Oct 10 2026

Logo

મુંબઈની લોકલ ટ્રેનમાં મરાઠી ભાષા મુદ્દે વિવાદઃ મહિલાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

2026-09-27 17:13:28
Author: Mumbai Samachar Team
મુંબઈની લોકલ ટ્રેનમાં મરાઠી ભાષા મુદ્દે વિવાદઃ મહિલાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી

AI પ્રતીકાત્મક તસવીર


મુંબઈઃ મુંબઈની લોકલ ટ્રેનના લેડીઝ કોચમાં ભાષાને લઈને બે મહિલાઓ વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ સમગ્ર વિવાદની શરૂઆત મરાઠી ભાષા બોલવા મુદ્દે શરૂ થઈ હતી અને બાદમાં બંને મહિલાઓ વચ્ચે ઉગ્ર શાબ્દિક વિવાદ થયો હતો. 

વાયરલ વીડિયોમાં મરાઠી બોલતી એક મહિલા બીજી મહિલાને મરાઠીમાં વાત કરવા અથવા ઉત્તર પ્રદેશ પાછા જવા માટે કહેતી હોવાનું જોવા મળ્યું હતું, જ્યારે તેના જવાબમાં બીજી મહિલા ‘અમે કેમ જઈએ, તમે યુપી જાઓ’ એવું કહેતી સંભળાય છે ત્યાર બાદ બંને વચ્ચે અપશબ્દોનો પણ ઉપયોગ થયો હોવાનો અહેવાલ છે. 

વાયરલ વીડિયો અનુસાર, ભાષાના મુદ્દે શરૂ થયેલો વિવાદ થોડી જ વારમાં ઉગ્ર બની ગયો હતો. કોચમાં હાજર અન્ય મુસાફરો પણ ઘટનાને જોતા જોવા મળ્યા હતા અને કેટલીક મહિલાઓએ વિવાદમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ફેલાતા મુંબઈમાં ભાષાને લઈને ચર્ચાએ ફરી જોર પકડ્યું છે.

જોકે, આ વિવાદ કઈ લોકલ ટ્રેનમાં અને કયા સ્ટેશન પાસે થયો હતો તેની ચોક્કસ માહિતી હજુ સામે આવી નથી. ઉપરાંત, વિવાદનું મૂળ કારણ શું હતું અને ઘટનાને લઈને કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે કે નહીં તે અંગે પણ સ્પષ્ટતા થઈ નથી. 

મુંબઈની લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાને લઈને અગાઉ પણ આવા વિવાદોના વીડિયો સામે આવ્યા છે. જુલાઈ 2026માં પણ એક મુસાફર અને ટિકિટ ચેકર વચ્ચે મરાઠી ભાષાને લઈને થયેલા કથિત વિવાદનો વીડિયો વાયરલ થયા બાદ રેલવે અધિકારીઓએ પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. જોકે, તે મામલામાં પણ સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા દાવાઓની સત્તાવાર પુષ્ટિ થઈ નહોતી.

અહીં એ જણાવવાનું કે જૂન મહિનામાં મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર રેલવેના ઈન્કવાયરી કાઉન્ટર પર પ્રવાસી અને કર્મચારી વચ્ચે મરાઠી ભાષાને લઈ વિવાદ થયો હતો. પ્રવાસીએ કર્મચારીને મરાઠી ભાષા બોલવા અંગે ફરજ પાડી હતી, પરંતુ કર્મચારીઓ ધરાર ના પાડતા વિવાદ થયો હતો. બંને વચ્ચે જોરદાર દલીલ થયા પછી સોશિયલ મીડિયા પર પણ વિવાદ થયો હતો.