Fri Sep 04 2026

Logo

શોકિંગઃ જોધપુરમાં લગ્નના એક દિવસ પહેલા બે સગી બહેનોના રહસ્યમય મોત

2026-02-22 20:05:16
Author: Mumbai Samachar Team
શોકિંગઃ જોધપુરમાં લગ્નના એક દિવસ પહેલા બે સગી બહેનોના રહસ્યમય મોત

જોધપુરઃ રાજસ્થાનના જોધપુરના મનાઇ ગામમાં બે બહેનો લગ્નના એક દિવસ પહેલા તેમના ઘરે મૃત હાલતમાં મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. શનિવારે બંનેના લગ્ન થવાના હતા. બંને બહેનના રહસ્યમય મોતના સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા હતા.

મૃતકોની ઓળખ દીપ સિંહની પુત્રીઓ શોભા(૨૫) અને વિમલા(૨૩) તરીકે થઇ છે. બંને એક ખાનગી શાળામાં શિક્ષિકા હતી. એડીસીપી(પશ્ચિમ) રોશન મીણાના જણાવ્યા અનુસાર શુક્રવારે મોડી રાત સુધી ઘરમાં લગ્નની ઉજવણી ચાલી રહી હતી. મધરાતની આસપાસ બંને બહેનો સૂવા માટે તેના રૂમમાં ચાલી ગઇ હતી. 

સવારે લગભગ ૪ વાગ્યાની આસપાસ તેમની તબિયત અચાનક લથડતાં પરિવારના સભ્યો બંનેને જોધપુરની એક ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ મૃતદેહોને ઘરે પાછા લાવવામાં આવ્યા હતા.

પરિવારે પોસ્ટમોર્ટમ વગર અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. પરંતુ માહિતી મળતાં જ પોલીસ સવારે ૬ વાગ્યાની આસપાસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અંતિમ સંસ્કાર અટકાવ્યા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ પરિવારને સોંપવામાં આવ્યા હતા.

પ્રારંભિક તપાસમાં બંને બહેનોના મોત કોઇ ઝેરી પદાર્થ ખાવાથી થયા હોવાનું જાણવા મળે છે. જો કે ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જ જાણવા મળશે. હજુ સુધી કોઇ સુસાઇડ નોટ મળી આવી નથી.