Mon Oct 05 2026

Logo

સુરતના 84 વર્ષીય વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયોઃ ભાડે મકાન જોવાની આડમાં ચોરીના ઈરાદે આવેલી મહિલાએ લઈ લીધો જીવ

2026-09-17 15:30:00
Author: Pooja Shah
સુરતના 84 વર્ષીય વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયોઃ ભાડે મકાન જોવાની આડમાં ચોરીના ઈરાદે આવેલી મહિલાએ લઈ લીધો જીવ

અમદાવાદઃ સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં 84 વર્ષીય વૃદ્ધા આમેનાબેન(એમીબેન) મોતીવાલાની હત્યાનો ભેદ પોલીસે ઉકેલ્યો હતો. જોકે આ હત્યાએ શહેરોમાં એકલા રહેતા સિનિયર સિટિઝન્સની સુરક્ષા સામે ફરી સવાલો ઊભા કર્યા છે. એકલાં રહેતાં એમીબેનની હત્યા  બે દિવસ પહેલા ભાડાનું મકાન જોવા આવેલી છાયા શાહ નામની એક મહિલાએ કરી હોવાનું પોલીસસૂત્રોએ જણાવ્યું હતું.
 
84 વર્ષીય મૃતકનાં પતિ અને એકના એક પુત્રનું દેહાંત થયા બાદ તેઓ અહીંના મોનાલીસા અપાર્ટમેન્ટમાં એકલાં રહેતાં હતાં. થોડા સમયથી તેઓ તેમનાં 71 વર્ષીય બહેન દુરૈયાના ઘરે  વધારે સમય વિતાવતા, પરંતુ રોજ ફ્લેટ પર આવતા હતા. 11મી સપ્ટેમ્બરે છાયા શાહ નામની મહિલા આ એપાર્ટમેન્ટમાં અન્ય એક ખાલી ફ્લેટ જોવા ગઈ હતી. તે સમયે એમીબેન તેમને મળ્યાં હતાં અને પોતે એકલા રહેતા હોવાનું પણ જણાવ્યું હતું, તેવી માહિતી પોલીસસૂત્રોએ આપી હતી.
 
13મી સપ્ટેમ્બરે છાયા શાહ પોતાના 15 વર્ષના દીકરા સાથે આવી હતી અને અમીબેને ઘર ખોલ્યું હતું. ઘરમાં ઘુસ્યાની થોડી મિનિટોમાં તેણે સીધી તિજોરી ખોલવાની કોશિશ કરી હતી. એમીબેને રોકતાં મહિલા ગુસ્સે ભરાઈ હતી અને ઈસ્ત્રી વડે તેમને માર્યા હતાં અને ત્યારબાદ કેબલ વાયરથી તેમનું ગળું દબાવ્યું હતું. મહિલાનો પુત્ર આ જોઈ હેબતાઈ ગયો હતો અને તેણે બૂમો પાડવાનું શરૂ કરતા મહિલા ત્યાંથી માત્ર તેમનો મોબાઈલ અને થોડા પૈસા લઈને નાસી હતી.
 
બહેન ફરી ઘરે ન આવતા અને તેનો ફોન પર પણ સંપર્ક ન થતા દુરૈયાબહેન તેમનાં ઘરે આવ્યાં ત્યારે તેમને લોહીલુહાણ મૃતદેહ જોવા મળ્યો હતો અને પોલીસને બોલાવી હતી. 
 પોલીસ માટે આ કેસ ઉકેલવો અઘરો હતો કારણ કે એપાર્ટમેન્ટમાં સીસીટીવી કેમેરા ન હતા અને મૃતકના શરીર પરનું લગભગ સાત તોલા સોનું પણ ચોરાયું ન હતું. પોલીસે આસપાસના વિસ્તારના 300 સીસીટીવી ફૂટેજ ચેક કર્યા બાદ એક સંદિગ્ધ મહિલાને ટ્રેસ કરી હતી, જે હત્યારણ છાયા શાહ હોવાનું પૂછપરછમાં ખૂલ્યું હતું. મૂળ રાજકોટની છાયા સુરતમાં એકલી રહેતી હતી. કેરટેકર તરીકે કામ કરી પોતાનું અને દીકરાનું ભરણપોષણ કરતી હતી. પૈસાની લાલચે મહિલાની એકલતાનો લાભ લેવા ગઈ હતી, જેમાં હત્યા કરી નાખી અને પુત્રએ બૂમો પાડતા દાગીના ચોર્યા વિના જ ભાગી ગઈ હતી, તેવી પોલીસની પૂછપરછમાં બહાર આવ્યું હતું. મૃતક મહિલા અને તેમનાં બહેન મુંબઈ જવાની તૈયારી કરતા હતા અને તે માટે જ એમીબેન ફ્લેટ પર સામાન લેવા ગયાં હતાં, પરંતુ તેમની આ રીતે હત્યા થતા બહેન સહિતનો પરિવાર શોકમાં ડૂબી ગયો હતો.