ભુજ: પશ્ચિમ એશિયામાં પ્રવર્તી રહેલી અસ્થિરતા અને યુદ્ધની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે દેશના નિકાસકારો અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને મજબૂત ટેકો આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરી છે. આ નિર્ણય અંતર્ગત મધ્ય પૂર્વના દેશો તરફ જતા નિકાસ કન્ટેનરો માટે કચ્છના મુંદરા બંદર પર ૧૫ દિવસની ફી માફી આપવાની જાહેરાત કરવામાં આવી છે.
શિપિંગ મંત્રાલયના ખાસ સચિવ રાજેશ સિંહાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ માફીનો મુખ્ય હેતુ પ્રદેશમાં ચાલી રહેલા વિક્ષેપો વચ્ચે વેપાર પ્રવાહને સરળ બનાવવાનો છે. આ પગલાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ઉદ્ભવેલા આર્થિક દબાણ સામે ભારતીય નિકાસકારોને રક્ષણ મળશે અને માલસામાનની હેરફેર વધુ ઝડપી બનશે.
બીજી તરફ, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ રાજદ્વારી ગતિવિધિઓ તેજ બની છે. વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે માહિતી આપી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી,જેમાં બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. બંને દેશોએ વૈશ્વિક હિતમાં દરિયાઈ શિપિંગ માર્ગો સુરક્ષિત અને ખુલ્લા રાખવાના મહત્વ પર ભાર મૂક્યો હતો, જેથી આંતરરાષ્ટ્રીય વેપારમાં કોઈ અવરોધ ઊભો ન થાય.
અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ખતરનાક સ્તરે પહોંચી ચૂકેલા આ યુદ્ધ વચ્ચે દેશમાં ઈંધણની અછત કે ભાવવધારા અંગે ફેલાયેલી અફવાઓ પર પણ સરકારે પૂર્ણવિરામ મૂક્યું છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, દેશભરના પેટ્રોલ પંપો પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને તેના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. વધુમાં, તેમણે ખાતરી આપી હતી કે તમામ સ્થાનિક રિફાઇનરીઓ પાસે પૂરતું ક્રૂડ ઓઈલ ઉપલબ્ધ છે અને દેશની સપ્લાય ચેઈન સંપૂર્ણપણે સ્થિર છે. આમ, ભારત સરકાર એક તરફ નિકાસકારોને રાહત આપી આંતરરાષ્ટ્રીય વેપારને વેગ આપી રહી છે, તો બીજી તરફ સ્થાનિક સ્તરે જનતાને પાયાની જરૂરિયાતોની ઉપલબ્ધતા અંગે આશ્વસ્ત કરી રહી છે.
(ઉત્સવ વૈદ્ય)