ભુજ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાતાની મુંદ્રા શહેર અને તાલુકામાં રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. નવા રોટેશન અને બદલાયેલા રાજકીય સમીકરણો વચ્ચે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતપોતાની વ્યૂહરચના ગોઠવવામાં વ્યસ્ત બની છે. આ દરમિયાન મુંદ્રા-બારોઈ નગરપાલિકામાં દાવેદારી નોંધાવવા ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યારે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી સરસાઈ મેળવી છે.
૨૮ બેઠકો માટે ભાજપના ૧૨૩ દાવેદારો મેદાને
અંજાર ખાતે પ્રદેશ નિરીક્ષકોની ઉપસ્થિતિમાં યોજાયેલી ભાજપની સેન્સ પ્રક્રિયામાં મુંદ્રા-બારોઈ નગરપાલિકાના સાત વોર્ડની ૨૮ બેઠકો માટે કુલ ૧૨૩ ઈચ્છુકોએ દાવેદારી નોંધાવી છે. મુંદ્રા-બારોઈ નગરપાલિકાની રચના બાદ આ બીજી ચૂંટણી હોઈ, વર્તમાન નગરસેવકો સહિત અનેક નવા ચહેરાઓએ ટિકિટ મેળવવા માટે જોર લગાવ્યું છે. આ સાથે જ મુંદ્રા તાલુકા પંચાયતની ૧૮ અને જિલ્લા પંચાયતની ચાર બેઠકો માટે પણ સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. હવે મોવડી મંડળ કોના નામ પર પસંદગીની મહોર મારે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
બીજી તરફ, કોંગ્રેસ પક્ષમાં પણ સેન્સ પ્રક્રિયા અંતિમ તબક્કામાં હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, આ વખતે ચૂંટણી જંગને ત્રિપાંખિયો બનાવવા માટે મેદાને ઉતરેલી આમ આદમી પાર્ટીએ બાજી મારી છે. આપ દ્વારા શુક્રવારે સાંજે જ મુંદ્રા નગરપાલિકા માટે સાત ઉમેદવારોના નામોની જાહેરાત કરી દેવામાં આવી છે. રાજકીય વિશ્લેષકોના મતે, જરૂર પડ્યે કેટલાક વોર્ડમાં મજબૂત અપક્ષ ઉમેદવારોને ઉભા રાખીને મુખ્ય પક્ષોના ગણિત બગાડવાની તૈયારીઓ પણ અંદરખાને ચાલી રહી છે. ચૂંટણીના જાહેર થયેલા કાર્યક્રમ સાથે જ હવે ઉમેદવારોના નામ નક્કી થવાની ઘડીઓ ગણાઈ રહી છે, જેના કારણે કાર્યકરોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.
(ઉત્સવ વૈદ્ય)