Thu Jul 23 2026

Logo

માનખુર્દમાં છનો ભોગ લેનારી ગોઝારી ઘટના

2026-07-06 18:23:09
Author: Yogesh C. Patel
Article Image

PTI


ઝૂંપડા માલિક અને કોન્ટ્રાક્ટર સહિત અન્યો વિરુદ્ધ સદોષ મનુષ્યવધનો ગુનો: બેની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: ધોધમાર વરસાદ અને તોફાની પવન વચ્ચે માનખુર્દમાં ઝૂંપડું તૂટી પડવાને કારણે પાંચ બાળક સહિત છનો ભોગ લેનારી ગોઝારી ઘટનામાં પોલીસે સદોષ મનુષ્યવધનો ગુનો નોંધી બે જણની ધરપકડ કરી હતી.માનખુર્દમાં ન્યૂ મંડાલા ખાતે જનતા નગરમાં આવેલું ત્રણ માળનું ઝૂંપડું રવિવારની રાતે સાડાઆઠ વાગ્યાની આસપાસ અચાનક તૂટી પડ્યું હતું. આ ઘટનામાં પાંચ બાળક આલિયા (7), મુસ્કાન (14), નિહાલ (6), નાબિયા (2) અને મુનાફ (7) સહિત સોની (32)નાં મોત નીપજ્યાં હતાં. કાટમાળ હેઠળ દબાઈ ગયેલા રેહાન અલી (24)ને સારવાર માટે રાજાવાડી હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો.

ઈસ્ટ ઝોન-1ના ડેપ્યુટી પોલીસ કમિશનર (ડીસીપી) સમીર શેખે જણાવ્યું હતું કે આ ઘટના પ્રકરણે માનખુર્દ પોલીસે સોમવારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 અને 3(5) હેઠળ ગુનો નોંધ્યો હતો. પ્રાથમિક તપાસ બાદ બે આરોપીની ધરપકડ કરવામાં આવી હોઈ પોલીસ વધુ તપાસ કરી રહી છે.પોલીસના જણાવ્યા મુજબ ઝૂંપડાના માલિક, બાંધકામ સંબંધી કોન્ટ્રાક્ટર તેમ જ ગેરકાયદે બાંધકામને ઇરાદાપૂર્વક પ્રોત્સાહન આપનારા સંબંધિત ખાનગી અને સરકારી વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. તૂટી પડેલા ઝૂંપડાનું બાંધકામ ગેરકાયદે કરાયું હોવાનું તપાસમાં જણાયું હતું.

છેલ્લા પાંચેક દિવસથી સતત વરસી રહેલા વરસાદનું શનિવારની મધરાતથી જોર વધી ગયું હતું. પરિણામે રવિવારે હવામાન ખાતાએ રેડ અલર્ટ જાહેર કર્યું હતું. રવિવારે સવારે આઠ વાગ્યાથી માત્ર પાંચ કલાકના સમયગાળામાં મુંબઈમાં ઠેકઠેકાણે અઢીસોથી વધુ વૃક્ષો અથવા તેની ડાળખીઓ તૂટી પડવાની ફરિયાદ મહાપાલિકાને મળી હતી.દરમિયાન મુશળધાર વરસાદ અને ઝડપી પવનને કારણે રાતે માનખુર્દમાં જર્જરિત ઝૂંપડું તૂટી પડ્યું હતું. તપાસમાં જણાયું હતું કે ત્રણ માળનું જર્જરિત ઝૂંપડું ખાલી કરાવી દેવાયું હતું, પરંતુ પછી તેની તરફ દુર્લક્ષ કરાયું હતું. ઝૂંપડાના સમારકામ કે તેને તોડી પાડવાની કાર્યવાહી કરાઈ નહોતી. પરિણામે એ ઝૂંપડું બાજુના ઝૂંપડા પર તૂટી પડ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ બાજુના ઝૂંપડામાં પણ સુરક્ષાના જરૂરી પગલાં લેવાયાં નહોતાં. એ ઝૂંપડું પણ ગેરકાયદે ત્રણ માળનું બાંધવામાં આવ્યું હોવાનું જણાયું હતું. 
મૃતકના પરિવારને પાંચ લાખનું વળતર

મુંબઈ: ઝૂંપડું તૂટી પડવાને કારણે જીવ ગુમાવનારા છ જણના પરિવારને વ્યક્તિદીઠ પાંચ લાખ રૂપિયાના વળતરની જાહેરાત રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કરી હતી. ફડણવીસે એક્સ પર પોસ્ટ કરીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે દરેક મૃતકના પરિવારને પાંચ લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. (પીટીઆઈ)