Fri May 01 2026

Logo

મુંંબઈગરાને પાણીકાપનું નો ટેન્શન: જળાશયોમાં પાણીનો જથ્થો ૪૪.૦૯ ટકા

2026-03-21 09:02:00
Author: Sapna Desai
Article Image


(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈને પાણી પૂરું પાડનારાં સાતેય જળાશયોમાં વીતેલા બે વર્ષની સરખામણીમાં આ વર્ષે મબલખ પાણીનો સ્ટોક હોવાથી આગામી દિવસોમાં મુંબઈગરાના માથા પર પાણીકાપ મૂકવાની નોબત આવશે નહીં એવું માનવામાં આવે છે. સાતેય જળાશયોમાં શુક્રવારે સવારના ૪૪.૦૯ ટકા જેટલો પાણીનો જથ્થો હતો. આટલું પાણી મુંબઈને જૂન મહિના સુધી ચાલી રહેશે  એવું પાણીપુરવઠા વિભાગનું માનવું છે. 

મુંબઈને પાણીપુરવઠો કરનારાં જળાશયોમાં શુક્રવાર સવારના ૪૪.૦૯ ટકા જેટલો પાણીનો સ્ટોક હતો. છેલ્લાં ત્રણ વર્ષમાં સૌથી વધુ ગણાય છે. ૨૦૨૫ની સાલમાં સાતેય જળાશયોમાં આ જ સમયે ૩૯.૯૬ ટકા પાણીનો સ્ટોક હતો. તો ૨૦૨૪ની સાલમાં જળાશયોમાં ૩૪.૫૪ ટકા પાણીનો સ્ટોક હતો. ગયા વર્ષે ચોમાસાએ મોડી વિદાય લીધી હતી અને નવેમ્બરના પહેલા અઠવાડિયામાં પણ સારો એવો વરસાદ પડી ગયો હતો, તેને પગલે જળાશયોમાં પાણીનું સ્તર જળવાઈ રહ્યું હતું. તેથી આ વર્ષે માર્ચ મહિનાનું પખવાડિયું વીતી ગયું છે, છતાં જળાશયોમાં ૪૪ ટકાથી પણ વધુ પાણીનો સ્ટોક બચ્યો છે. 

મુંબઈ બહાર આવેલા અપર વૈતરણા, મોડક સાગર, તાનસા, મિડલ વૈતરણા, ભાતસા તેમ જ મુંબઈની અંદર આવેલા વિહાર અને તુલસી આ સાત જળાશયોમાંથી પ્રતિદિન પાણીપુરવઠો કરવામાં આવે છે. વીતેલાં બે વર્ષની સરખાણીમાં સાતેય જળાશયોમાં પાણીનું સ્તર ઊંચું હોવાથી જૂન મહિના સુધી પાણી ચાલશે એવો પાલિકાના પાણીપુરવઠા વિભાગનો અંદાજો છે.

પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે ઉનાળામાં મુંબઈમાં પાણીકાપ મુકાવાની શક્યતા લગભગ નહીંવત છે. સામાન્ય રીતે એક ટકા પાણી ત્રણ દિવસ ચાલે છે એ હિસાબે જળાશયોમાં હાલ ૧૩૦ દિવસથી પણ વધુ ચાલે એટલો પાણીનો સ્ટોક છે. જે લગભગ જૂન મહિનામાં ચોમાસાના આગમન સુધી ચાલી રહેશે એવો અમારો અંદાજો છે. સામાન્ય રીતે ઉનાળામાં આકરી ગરમી રહેતી હોય છે અને તેને કારણે પાણીનું બાષ્પીભવન પણ થતું હોય છે. માર્ચ મહિનામાં જ હમણાં મુંબઈ સહિત થાણે જિલ્લામાં ત્રણ વખત હીટ વેવ આવી ગઈ છે. તેથી પાણીનું બાષ્પીભવન થવાનું પ્રમાણ વધી જતું હોય છે. સદ્નસીબે અત્યાર સુધી જળાશયમાં પાણીનું સ્તર જળવાઈ રહ્યું છે અને આગામી દિવસોમાં પણ વાંધો નહીં એવો અમારો અંદાજો છે.

પાલિકાના એડિશનલ કમિશનર અભિજિત બાંગરે જણાવ્યું હતું કે જળાશયોમાં પૂરતું પાણી છે, જે જૂન મહિના સુધી ચાલશે. તેમ જ ચોમાસું પણ આ વર્ષે સામાન્ય રીતે તેના નિર્ધારીત સમયે બેસી જશે એવી શકયતા છે. તેથી પાણીકાપ મૂકવાની હાલ તો કોઈ આવશ્યતા જણાતી  નથી. છતાં જો ચોમાસું આગળ-પાછળ થાય અથવા ગરમીનું પ્રમાણ વધીને પાણીનું બાષ્પીભવન પણ વધુ થાય છે તો પણ આપણી પાસે રિઝર્વ પાણીનો સ્ટોક રહેશે. અગમચેતીના પગલારૂપે અમે પહેલાથી જ સરકાર પાસેથી રિઝર્વ પાણીનો સ્ટોક વાપરવાની મંજૂરી  મેળવી લેવાની યોજના બેક-અપમાં રાખશું, જેમાં ભાતસામાંથી ૧.૪ લાખ મિલ્યન લિટર અને અપર વૈતરણામાંથી ૯૩.૫૦૦ મિલ્યન લિટર રિઝર્વ પાણી મેળવી શકાય છે