Sun Jun 28 2026

Logo

મુંબઈના જળાશયોની હાલત ચિંતાજનક: પાલિકા અધિકારીઓને જુલાઈના વરસાદ પર આશાવાદ

2026-06-28 14:46:00
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:  મુંબઈને પાણી પૂરું પાડનારા સાતેય જળાશયોમાં શનિવારે સવારના  પાણીનું સ્તર ૭.૩૧ ટકા નોંધાયુંં હતું. ગયા અઠવાડિયે મુંબઈમાં મુશળધાર વરસાદ પડી ગયા બાદ પણ જળાશયોની સપાટીમાં કોઈ નોંધનીય વધારો થયો ન હોવાથી પાણીપુરવઠા વિભાગની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ચોમાસું ફરી સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરી હોવાથી જુલાઈ મહિનામાં જળાશયોની સપાટીમાં વધારો થશે એવું પાણીપુરવઠા વિભાગનું માનવું છે.

મુંબઈને પ્રતિદિન ૩,૯૫૦ મિલિયન લિટર પાણીપુરવઠો કરવામાં આવે છે. મુંબઈને આખું વર્ષ પાણીકાપ વગર પાણીપુરવઠો કરવા માટે પહેલા ઑક્ટોબરનાં જળાશયોમાં ૧૪,૪૭,૩૬૩  મિલિયન લિટર જેટલું પાણી હોવું આવશ્યક છે. ચોમાસું લંબાઈ જવાને પગલે વરસાદની ગેરહાજરીમાં સાતેય જળાશયોમાં પાણીનું સ્તર સતત ઘટી રહ્યું છે. શનિવારે સવાર સુધી સાતેય જળાશયોમાં ૭.૩૧ ટકા એટલે કે ૧,૦૫,૭૫૫ મિલ્યન લિટર જેટલો પાણીનો જથ્થો નોંધાયો હતો. ગયા વર્ષે ચોમાસાનું આગમન જલદી થવાની સાથે જ મે મહિનામાં અને બાદમાં જૂનમાં મુશળધાર વરસાદને પગલે આ જ સમયે જળાશયોમાં ૩૭.૧૬ ટકા પાણીનો જથ્થો હતો. તો ૨૦૨૪માં પણ ચોમાસું ખેંચાઈ જતા જળાશયોમાં ૫.૨૯ ટકા પાણીનું સ્તર રહ્યું હતું. બાદમાં જોકે જુલાઈ મહિનાના મુશળધાર વરસાદને પગલે જળાશયોમાં પાણીની સારી આવક થઈ હતી.

વરસાદ ખેંચાઈ જતા અને ઘટતી સપાટીને પગલે મે મહિનામાં મુંબઈગરાના માથે ૧૦ ટકા પાણીકાપ લાદયા બાદ જૂન મહિનામાં  મુંબઈના ઈન્ડસ્ટ્રિયલ અને કમર્શિયલ એસ્ટાબ્લિસમેન્ટ પર ૨૦ ટકા પાણીકાપ લાદવામાં આવ્યો છે. ગયા અઠવાડિયામાં મુંબઈમાં ૨૪ કલાક દરમ્યાન મુશળધાર વરસાદ પડ્યો હતો પણ તળાવોના કેચમેન્ટમાં નોંધનીય વરસાદ પડ્યો નથી. તેથી પાણીનું સ્તર સતત ઘટી રહ્યું છે. 

પાલિકાના પાણીપુરવઠા વિભાગના જણાવ્યા મુજબ જળાશયોની ઘટતી સપાટીએ ચિંતા વધારી છે. તેમાં પાછું મુંબઈમાં મુશળધાર વરસાદ પડયો પણ જળાશયોના કેચમેન્ટમાં નોંધપાત્ર વરસાદ પડયો નથી. રાજ્ય સરકાર પાસેથી પાલિકાને વધારાનું પાણી મળવાનું છે પણ તેનાથી પણ ઑગસ્ટ સુધી જ પાણી ચાલશે. હવામાન વિભાગે જુલાઈ મહિનામાં ચોમાસું ફરી સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરી છે. તેથી જુલાઈ મહિનામાં જળાશયોના કેચમેન્ટ એરિયામાં સારો વરસાદ પડે અને પાણીનું સ્તર વધે એવી આશા છે.