મુંબઈને પાણી પૂરું પાડનારા જળાશયોમાં થયેલા ઘટાડાને કારણે થશે અસર
મુંબઈ: ભારતમાં આ વર્ષે અલ નીનોને કારણે ચોમાસું હજુ સુધી મુંબઈમાં બેઠું નથી, પરિણામે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં જળસંકટ ઘેરાયું છે. શહેરોને પાણી પૂરું પાડનારા ડેમમાંથી પાણીનો જથ્થો ઝડપથી ઘટી રહ્યો છે, જેને કારણે મુંબઈ મહાનગર પાલિકાએ આજે કડક નિર્ણય લીધો છે, જેમાં નવા બાંધકામોથી લઈને સ્વિમિંગ પુલોને પૂરું પાડવામાં આવતા પાણીમાં 20 ટકા કાપ જાહેર કર્યો છે.
આવતીકાલથી પાણી કાપ અમલી
ચોમાસામાં વિલંબને કારણે જળાશયના સ્તર ઘટીને 10.35 ટકા થઈ ગયા હોવાથી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એ આજે શહેરના ઔદ્યોગિક, વાણિજ્યિક અને રમતગમત સંસ્થાઓને પાણી પુરવઠામાં 20 ટકાનો કાપ મૂક્યો છે. આ કાપ આવતીકાલથી અમલી બનશે.મહાનગરપાલિકાએ બાંધકામ પ્રોજેક્ટ્સ અને સ્વિમિંગ પુલ માટે પાણીના જોડાણો પણ સ્થગિત કર્યા છે. દેશની આર્થિક રાજધાનીને પાણી પૂરું પાડતા જળાશયોમાં પાણીના જથ્થા અંગે સમીક્ષા બેઠક બાદ આ પગલાંની જાહેરાત કરવામાં આવી હતી.
પંદરમી મેના 10 ટકા પાણી કાપ મૂક્યો હતો
આ પ્રતિબંધોનો હેતુ પીવાના પાણીના પુરવઠાને સુરક્ષિત રાખવાનો છે અને પીવાના પાણીના દુરુપયોગ અથવા બગાડ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, એમ પ્રકાશનમાં જણાવાયું છે. પાલિકા 15 મેથી 10 ટકા પાણી કાપ લાગુ કરી દીધો છે.અહીં એ જણાવવાનું કે મુંબઈમાં 15મી મેથી દસ ટકા પાણી કાપ લાદવામાં આવ્યો છે, પરંતુ ડેમમાંથી પાણી ઘટી રહ્યું છે. પાલિકાના દાવા અનુસાર 16 જૂન સુધી મુંબઈને પાણી પૂરું પાડનારા જળાશયો અને ડેમમાં ફક્ત 10.35 ટકાથી 10.75 ટકા પાણી બચ્યું છે, જેમાં વરસાદના વિલંબને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે, પરિણામે આવતીકાલથી પાલિકાએ આકરા પ્રતિબંધો મૂકવાનો નિર્ણય લીધો છે.
પાલિકાએ મુંબઈગરાઓને શું કરી અપીલ
જાહેર શૌચાલય અને અન્ય સંસ્થાઓને અપીલ કરતા પાલિકાએ કહ્યું છે કે પીવાનું પાણી બચાવવા માટે ટેન્કર, કૂવા અને બોરવેલના પાણીનો મહત્તમ ઉપયોગ કરો. વાહન ધોવા અને ઉદ્યાનોમાં છોડવા-વૃક્ષો અને રસ્તાઓની સફાઈ માટે ખાસ કૂવા અથવા બોરવેલના પાણીનો ઉપયોગ કરવામાં આવે. ઉપરાંત, રેલવે, તેલ કંપની, નૌકાદળ અને અન્ય મોટી સંસ્થાઓએ ગટર શુદ્ધિકરણ પ્લાન્ટમાંથી શુદ્ધ કરેલ પાણીનો ફરીથી ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે.