Tue May 12 2026

Logo

મુંબઈમાં ૧૫ મેથી ૧૦ ટકા પાણીકાપ જળાશયોની ઘટતી સપાટીએ વધાર્યું ટેન્શન

2026-05-11 22:50:40
Author: Sapna Desai
Article Image

નાગરિકોને પાણી સંભાળીને વાપરવાની અપીલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: આ વર્ષે ‘એલ નીન્યોે’ની અસર હેઠળ નબળાં ચોમાસાની શક્યતા વચ્ચે મુંબઈને પાણી પૂરું પાડનારાં જળશોય પાણીની સપાટીમાં ચિંતાજનક રીતે ઘટાડો થઈ રહ્યો છે. તેથી તકેદારીનાં પગલારૂપે મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈમાં આગામી શુક્રવારથી ૧૦ ટકા પાણીકાપ લાગુ કરી દીધો છે. આ સમય દરમ્યાન નાગરિકોને પાણીનેે સંભાળીને જતનપૂર્વક વાપરવાની અપીલ પણ પાલિકા પ્રશાસન તરફથી કરવામાં આવી છે.

મુંબઈને પાણીપુરવઠો કરનારાં સાત જળાશયમાં સોમવારે સવારના ૩,૪૦,૩૯૯ મિલ્યન લિટર એટલે કે માંડ ૨૩.૫૨ ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો. મુંબઈને આખું વર્ષ પાણીકાપ વગર પાણીપુરવઠો કરવા માટે પહેલી ઓક્ટોબરના તમામ જળાશયમાં કુલ ૧૪,૪૭,૨૬૩ મિલ્યન લિટર જેટલું પાણી હોવું આવશ્યક છે. મુંબઈમાં સામાન્ય રીતે ૧૦થી ૧૧ જૂનની આસપાસ ચોમાસાનું આગમન થતું હોય છે પણ હવામાન ખાતાએ ‘એલ નીન્યોે’ની  કારણે પ્રમાણમાં ચોમાસું નબળું રહેવાની શકયતા વ્યક્ત કરી છે. તેને ધ્યાનમાં રાખીને રાજ્યના જળસંસાધન વિભાગના નિર્દેશ મુજબ મુંબઈ મહાનગરપાલિકાએ ચોમાસાનું આગમન થાય અને જળાશયોમાં પાણીની નવી આવક થાય ત્યાં સુધી હાલ જળાશયમાં રહેલા પાણીનો ઉપયોગ થઈ શકે તે પ્રમાણેનું આયોજન કર્યું છે, જે હેઠળ  શુક્રવાર,  ૧૫ મે, ૨૦૨૬થી મુંબઈમાં ૧૦ ટકા પાણીકાપ લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

નાગરિકોને જોકે ડરવાને બદલે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની અપીલ પાલિકાએ કરી છે.પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ હાલમાં તાપમાનમાં મોટા પ્રમાણમાં થયેલા વધારાને કારણે પાણીનું બાષ્પીભવન વધારે થઈ રહ્યું હોવાથી તેમ જ આગામી દિવસોમાં જો પાણીનો સ્ટોક ૧૦ ટકા કરતાં પણ ઘટી જાય તો વરસાદ આવે ત્યાં સુધી પાણી ચાલી રહે તે મુજબ તેનું નિયોજન થઈ શકે તે બધી બાબતનો વિચાર કરીને સાવચેતીનાં પગલાં તરીકે ૧૦ ટકા પાણીકાપ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર પાસેથી મળશે વધારાનું પાણી
પાલિકાએ તકેદારીનાં પગલારૂપે રાજ્ય સરકારની માલિકીના ભાતસામાંથી ૧,૪૭,૦૯૨ મિલ્યન લિટર જેટલો રિઝર્વ સ્ટોક તો અપર વૈતરણામાંથી ૯૦,૦૦૦ મિલ્યન લિટર જેટલા રિર્ઝવ સ્ટોકની માગણી કરી હતી, જેને સરકારે માન્ય રાખતા આવશ્યકતા જણાઈ તો  પાણી ઉપલબ્ધ કરાવાશે એવું આશ્ર્વાસન પાલિકાએ આપ્યું છે.

છેલ્લાં બે વર્ષની સરખામણીમાં પાણી વધુ
મુંબઈને પાણી પૂરૂું પાડનારાં સાતેય જળાશયોમાં સોમવારે સવારના ૨૩.૫૨ ટકા એટલે કે ૩,૪૦,૩૯૯ મિલ્યન લિટપરર જેટલો પાણીનો સ્ટોક બચ્યો હતો. ગયા વર્ષે આ  જ સમયે જળાશયોમાં ૨૦.૨૬ ટકા એટલે કે ૨,૯૩,૨૯૦ મિલ્યન લિટર પાણી હતું. તો ૨૦૨૪માં જળાશયોમાં ૧૪.૭૩ ટકા એટલે કે ૨,૧૨,૧૯૦ મિલ્યન લિટર જેટલું પાણી હતું. છેલ્લાં બે વર્ષની સરખામણીમાં આ વર્ષે જળાશયોમાં પાણીનો સ્ટોક વધુ છે, છતાં ઓછા વરસાદની શકયતાને પગલે ચિંતા વધી છે. ગયા વર્ષે ચોમાસાનું આગમન મે મહિનામાં જ થઈ ગયું હતું. તેથી જળશયોમાં પાણીની આવક પણ જલદી થઈ હતી. તો ૨૦૨૪માં સંતોષજનક વરસાદને પગલે જળાશયોમાં પાણીની આવક સારી એવી થઈ હતી.

થાણે અને ભિવંડીમાં પણ પાણીકાપ
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા થાણે અને ભિવંડી મહાનગરપાલિકા સહિત અન્ય ગામમાં પણ પાણીપુરવઠો કરવામાં આવે છે, તેમાં પણ શુક્રવાર, ૧૫ મે, ૨૦૨૬થી ૧૦ ટકા પાણીકાપ લાગુ કરવામાં આવ્યો છે. સમાધાનકારક વરસાદ પડે અને જળાશયોમાં પાણીના જથ્થામાં સુધારો થાય ત્યાં સુધી પાણીકાપ લાગુ રહેશે.

કેવી રીતે પાણી બચાવશો?
દૈનિક જીવનમાં પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો. આવશ્યક હોય એટલું જ પાણી પીવાના ગ્લાસમાં ભરવું. નહાવા માટે શાવરનો ઉપયોગ કરવાને બદલે બાલદીમાં પાણી લઈને નહાવાથી પાણીની મોટી બચત થાય છે. નળ ચાલુ રાખીને દાંત ઘસવા અને દાઢી કરવાનું ટાળવું. ઘરકામ કરતા સમયે નાળ ચાલુ રાખીને વાસણ, કપડાં ધોવાં નહીં. વાહનો ધોવા માટે નળ નહીં લગાવતા બાલદીમાં પાણી લઈને કપડાથી વાહનો સાફ કરવા, ઘરમાં લાદી, ગેલેરી, ઘરની બહારની ખુલ્લી જગ્યા ધોવાને બદલે કપડાથી લૂછી નાખવી, આગલા દિવસે ભરેલા પાણીને વાસી સમજીને ઢોળી નાખવું નહીં. વોશિંગ મશીનમાં એક જ સમયમાં શક્ય એટલા કપડાં ધોઈ નાખીને મશીનનો પર્યાયથી પાણીનો ઉપયોગ ઓછો કરવો.

રસોડા અને બાથરૂમ સહિત વોશબેસિનના નળનો પ્રવાહ મર્યાદિત રાખવો અથવા ટોટી (નોઝલ) લગાવીને નળના પાણીનો ઉપયોગ કરવો. ઘરની સાથે જ હોટલ અને કેન્ટિનમાં પણ ગ્રાહકોને આવશ્યક હોય તો જ ગ્લાસમાં પાણી આપવું. અથવા પાણીની બાટલી આપી દેવી, જેથી કરીને તેમને જોઈએ તેટલું પાણી તેઓ વાપરી શકે. ઘરમાં અથવા સોસાયટીમાં નળમાં ગળતર હોય તો તાત્કાલિક સમારકામ કરાવી લેવું. છત પરની પાણીની ટાંકી ઓવરફ્લો થઈને પાણી વેડફાય નહીં તેની કાળજી લેવી.

સમગ્ર મહારાષ્ટ્રમાં જળસંકંટ
રાજ્યના પાણીપુરવઠા અને સ્વચ્છતા વિભાગના ડેટા મુજબ છેલ્લા એક મહિના દરમ્યાન મહારાષ્ટ્રનાં નાનાં-મોટાં ગામડાઆોમાં પાણીના ટેન્કરોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. એપ્રિલના પહેલા અઠવાડિયામાં ૮૬ ટેન્કરો જતાં હતાં તે હવે અઠવાડિયાના ૪૬૬ ટેન્કરની થઈ ગઈ છે. પાણીનાં ટેન્કરોનો ઉપયોગ કરતાં ગામડાઓેની સંખ્યા પણ એપ્રિલમાં ૨૭૭થી  મેમાં ૧,૧૯૪ થઈ ગઈ છે. છત્રપતિ સંભાજી નગર ડિવિઝનમાં સૌથી વધુ ૧૩૮ પાણીનાં ટેન્કર તહેનાત કરવામાં આવ્યાં છે, જેમાં સૌથી વધુ ૧૦૦ છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં છે.