મુંબઈ: મુલુંડ (પશ્ચિમ) વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. અહીં મેટ્રોના નિર્માણ કાર્ય દરમિયાન સુરક્ષામાં ખામી અથવા ટેકનિકલ કારણોસર એક પિલરનો ઉપરનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો. એલબીએસ (LBS) રોડ પર બનેલી આ ઘટનાએ આસપાસના લોકોમાં ફાળ પાડી દીધી હતી. પિલરનો કોંક્રિટ અને સિમેન્ટનો કાટમાળ નીચેથી પસાર થઈ રહેલા વાહનો પર પડતા મોટો અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માત મુલુંડના જોન્સન એન્ડ જોન્સન કંપની પાસેના વિસ્તારમાં બપોરે અંદાજે 12:20 કલાકે થયો હતો. મેટ્રો પિલરનો સિમેન્ટનો એક મોટો ટુકડો અચાનક તૂટીને નીચેથી પસાર થઈ રહેલા એક ઓટો રિક્ષા અને કાર પર પડ્યો હતો. પિલરના જોરદાર ફટકાને કારણે રિક્ષાનો ઉપરનો ભાગ સાવ કચડાઈ ગયો હતો. પ્રાથમિક અહેવાલો મુજબ, આ રિક્ષામાં સવાર 3 થી 4 મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતા જ મુંબઈ ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ, મેટ્રો ઓથોરિટીના અધિકારીઓ અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવી હતી. રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. કાટમાળને કારણે વ્યસ્ત ગણાતા એલબીએસ રોડ પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો, જેને પગલે પોલીસે બેરિકેડ્સ લગાવીને ટ્રાફિકને અન્ય માર્ગો પર વાળવાની ફરજ પડી હતી. હાલ મશીનરીની મદદથી રસ્તા પરથી કાટમાળ દૂર કરવાનું કાર્ય ચાલુ છે.
મેટ્રોના નિર્માણ કાર્યમાં સલામતીના નિયમોનું પાલન કરવામાં આવતું હતું કે નહીં તે અંગે હવે તપાસ શરૂ થઈ છે. એજન્સીઓ એ વાતની ઝીણવટભરી તપાસ કરી રહી છે કે ચાલુ ટ્રાફિકમાં આટલું જોખમી કામ કરતી વખતે કઈ બેદરકારી રહી ગઈ હતી. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે મેટ્રો ઓથોરિટી દ્વારા સંબંધિત કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે. સ્થાનિક લોકોમાં પણ આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.