(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દુકાનેથી નાસ્તો લઈ આવવાનું કહેનારા વૃદ્ધ પિતા પર રોષે ભરાયેલા પુત્રએ નિર્દયતાથી હુમલો કર્યો હોવાની ઘટના કાલાચોકી વિસ્તારમાં બનતાં પોલીસે પુત્રની ધરપકડ કરી હતી. એલફેલ બોલીને ઝપાઝપી કર્યા પછી પુત્રએ પિતાના માથા અને કાન પર છથી સાત વખત ઈસ્ત્રી ફટકારી હતી.
કાલાચોકી પોલીસના જણાવ્યા મુજબ શનિવારની સવારે બનેલી ઘટનામાં વેપારી શ્રીધર શંકર રહાટે (70) ગંભીર રીતે ઘવાયા હતા. સારવાર માટે તેમને કેઈએમ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ કેસમાં પોલીસે શ્રીધરના પુત્ર હર્ષવર્ધન રહાટે (35)ની ધરપકડ કરી હતી.
મળતી માહિતી અનુસાર કાલાચોકીના અભ્યુદય નગરમાં આવેલી પવન સોસાયટીમાં દીકરા હર્ષવર્ધન સાથે રહેતા શ્રીધર નું લોઅર પરેલમાં પ્રિન્ટિંગ પ્રેસ છે. ઉંમરને કારણે તેમણે આ પ્રેસ ભાડે ચલાવવા આપ્યું છે. શ્રીધરની પત્નીનું નિધન થઈ ગયું છે. લગ્ન બાદ નાનો દીકરો પત્ની સાથે નવી મુંબઈમાં રહેવા જતો રહ્યો હતો.
ઘટનાની સવારે શ્રીધર સાડાઆઠ વાગ્યે જ ઊંઘમાંથી જાગી ગયા હતા. જોકે પુત્ર હર્ષવર્ધન 10 વાગ્યે ઊઠ્યા પછી શ્રીધરે તેને નાસ્તો લઈ આવવાનું કહ્યું હતું. હર્ષવર્ધને ના પાડતાં પિતા-પુત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી. ‘રોજ હું જ નાસ્તો અને જમવાનું લઈ આવું છું અને ખર્ચ પણ મારો જ થાય છે... તું કંઈ કરતો નથી’ એવું પિતાએ સંભળાવી દેતાં હર્ષવર્ધન ગિન્નાયો હતો.
ફરિયાદ અનુસાર હર્ષવર્ધને ગુસ્સામાં પિતાના માથે અને કાન પર ઈસ્ત્રી છથી સાત વાર ફટકારી હતી, જેને પગલે લોહીલુહાણ થઈ ગયેલા શ્રીધરને ચક્કર આવવા લાગ્યાં હતાં. દરમિયાન બૂમાબૂમ સાંભળી પડોશીઓ ભેગા થઈ ગયા હતા અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. શ્રીધરને હૉસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યારે હર્ષવર્ધનને તાબામાં લેવાયો હતો. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.