Tue Oct 06 2026

Logo

મુંબઈમાં પાણીકાપ ચાલુ જ રહેશે: મેયર

2026-09-29 09:17:00
Author: Sapna Desai
મુંબઈમાં પાણીકાપ ચાલુ જ રહેશે: મેયર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગણેશોત્સવ દરમ્યાન મુંબઈગરાને પાણીકાપમાંથી રાહત મળશે એવી શકયતા પર પાણી ફરી  વળ્યા બાદ હવે આગામી દિવસોમાં પણ મુંબઈમાંથી ૧૦ ટકા પાણીકાપ પાછો ખેંચવામાં આવે શકયતા ઘટી ગઈ છે. જળાશયોની ઘટતી સપાટીએ મુંબઈ મહાનગરપાલિકાની ચિંતામાં વધારો કર્યો છે, તેમાં હવે મુંબઈના મેયર રીતુ તાવડેએ પણ મુંબઈગરા પર લાદવામાં આવેલો ૧૦ ટકા પાણીકાપ આગામી દિવસોમાં પણ કાયમ રહેશે એવું કહેતા પાણીનું સંકટ આગામી દિવસોમાં વધુ ગંભીર બને એવી શકયતા છે. હાલ  સાતેય જળાશયમાં ૯૬.૮૯ ટકા જેટલો પાણીનો જથ્થો છે.

આ વર્ષે ચોમાસુ નબળું રહેવાને કારણે મહારાષ્ટ્રમાં દુકાળગ્રસ્ત પરિસ્થિતિ જાહેર કરવામાં આવી છે. રાજ્યના અનેક તાલુકાઓમાં વરસાદના અભાવે પાણીના ફાંફા છે ત્યારે મુંબઈને પાણી પુરવઠા કરનારા જળાશયોમાં પણ છેલ્લાં બે વર્ષની સરખામણીમાં પાણીનો જથ્થો ઓછો છે. સોમવારે સવારના જળાશયોમાં ૧૪,૦૨,૩૩૦ મિલ્યન લિટર એટલે કે ૯૬.૮૯ ટકા જેટલું પાણી હતું.

ગયા વર્ષે આ જ સમયે જળાશયોમાં ૧૪,૩૯,૫૮૮ મિલ્યન લિટર એટલે કે  ૯૯.૪૬ ટકા અને ૨૦૨૪ની સાલમાં ૧૪,૩૯,૨૭૨ મિલ્યન લિટર એટલે કે ૯૯.૪૪ ટકા જેટલું પાણી હતું. મુંબઈને આખું વર્ષ પાણીકાપ વગર પાણીપુરવઠો થઈ રહે તે માટે પહેલી ઑક્ટોબરના જળાશયોમાં ૧૪,૪૭,૩૬૩ મિલ્યન લિટર જેટલો પાણીનો સ્ટોક હોવો આવશ્યક છે.

મુંબઈમાં સામાન્ય રીતે જુલાઈ અને ઑગસ્ટમાં મુશળધાર વરસાદ પડીને જળાશયો છલકાઈ જતા હોય છે પણ આ વર્ષે અલ નિનોને કારણે ચોમાસુ નબળું હોવાથી જૂનમાં ચોમાસાનું આગામન મોડું થયા બાદ જુલાઈમાં મુશળધાર વરસાદ પડયો હતો, તેથી જુલાઈમાં જળાશયોમાં પાણીની સારી એવી આવક થઈ હતી પણ એ બાદ ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં બહું જ ઓછો વરસાદ પડયો છે. તેથી જ્ળાશયોમાં પાણીનું સ્તર વધવાને બદલે ઘટી રહ્યું છે.

મુુંબઈમાં સામાન્ય રીતે ૧૦થી ૧૧ ઑક્ટોબરની વચ્ચે ચોમાસુ સત્તાવાર રીતે  વિદાય લેતું હોય છે. તેથી મુંબઈમાંથી પણ ચોમાસાની વિદાય નજીક છે ત્યારે આગામી દિવસોમાં મુંબઈમાં મુશળધાર વરસાદની કોઈ શકયતા પણ જણાતી નથી. તેથી જળાશયોમાં પાણીની આવક થવાની શકયતા પણ બહું ઓછી છે.

પાલિકાના પાણીપુરવઠા વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ પાલિકા પ્રશાસન હાલના પાણીના જથ્થાને આગામી વર્ષે ચોમાસાનું આગમન થાય નહીં ત્યાં સુધી ચાલે તે રીતે નિયોજન કરવામાં માગે છે. આગામી દિવસોમાં મુશળધાર વરસાદ પડવાની શકયતા ઓછી હોવાથી પાણી આગામી વર્ષ સુધી ચાલી રહે તે મુજબનું આયોજન અત્યારથી કરવું આવશ્યક છે. તેથી ૧૫ મેથી મુંબઈમાં લાગુ કરવામાં આવેલો પાણીકાપ પાછો ખેંચવાની ઉતાવળ પ્રશાસન કરવા માગતું નથી. 

પાણીકાપ પાછો ખેંચવામાં ઉતાવળ નહીં
આ દરમ્યાન મુંબઈનાં મેયર રીતુ તાવડેએ સોમવારે કહ્યું હતું કે ઓછા વરસાદને પગલે સંપૂર્ણ મહારાષ્ટ્રમાં પાણીનું સંકટ ગંભીર બન્યું છે. રાજ્યના અન્ય જિલ્લા કરતા મુંબઈની હાલત થોડી સારી છે, છતાં પાણીકાપ પાછી ખેંચવાની હાલ ઉતાવળ કરવી નથી. હાલ પૂરતો પાણીકાપ કાયમ રાખશું પણ મુંબઈગરાને પાણી માટે બહુ તકલીફ થાય નહીં અને આખું વર્ષ પાણી ચાલી રહે તે માટે પાણીપુરવઠા પર પ્રશાસન કામ કરી રહી છે. આગામી દિવસોમાં જો પાણીનું સંકટ વધુ ગંભીર બને તો રાજ્ય પાસે રહેલા રિઝર્વ સ્ટોક વાપરી શકાય કે તે બાબતે પણ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.