Sat Sep 05 2026

Logo

મુંબઈ-JNPA વચ્ચે દોડશે ઈ-સ્પીડ બોટઃ હવે મિનિટોમાં પૂરી થશે કલાકોની મુસાફરી

2026-03-12 19:02:57
Author: Mumbai Samachar Team
મુંબઈ-JNPA વચ્ચે દોડશે ઈ-સ્પીડ બોટઃ હવે મિનિટોમાં પૂરી થશે કલાકોની મુસાફરી

મુંબઈઃ મુંબઈગરાઓને લોકલ, મેટ્રો અને મોનો પછી, વધુ એક આધુનિક પરિવહન સેવાનો લાભ મળશે. હાલમાં આ સંદર્ભમાં મહત્ત્વની અપડેટ આવી છે. ચાલો જાણીએ કે મુંબઈના કયા વિસ્તારના નાગરિકો આ સેવાનો લાભ લઈ શકે છે. મુંબઈ અને અન્ય વિસ્તારોને જોડવા માટે હાલ ઘણા પ્રોજેક્ટ્સ અમલમાં મુકવામાં આવી રહ્યા છે અને તેમાંથી એક મુંબઈ-જેએનપીએ વચ્ચે ઇ-સ્પીડ બોટ સેવા પણ છે. એકવાર આ ઇ-સ્પીડ સેવા શરૂ થઈ ગયા પછી, JNPAથી મુંબઈ સુધીની મુસાફરી વધુ ઝડપી અને આરામદાયક બનશે.

આ સેવા શરુ કરતા પહેલા હજુ બે અઠવાડિયા બોટનું પરીક્ષણ કરવામાં આવશે ત્યાર બાદ સેવા શરૂ થશે, એમ JNPAના જળ પરિવહન નિયંત્રક કેપ્ટન બાળાસાહેબ પવારે માહિતી આપી હતી. 

કેન્દ્રીય પ્રધાન દ્વારા ઈ-સ્પીડ બોટ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, પરંતુ ઘણા સલામતી પરીક્ષણો બાકી હોવાથી સેવા શરૂ કરવામાં આવી નથી. જોકે, હવે એવું જાણવા મળ્યું છે કે આ મહિને ટ્રાયલ રન યોજાશે અને ત્યારબાદ ટૂંક સમયમાં સેવા શરૂ થશે.

ઈ-સ્પીડ બોટનું પરીક્ષણ કરતી વખતે, ફક્ત સ્પીડ બોટની ગતિ જ નહીં, પણ તેની મુસાફરોની પરિવહન ક્ષમતા તેમ જ ભવિષ્યમાં આવનારા ટેકનિકલ પડકારોની પણ તપાસ કરવામાં આવશે.

મુંબઈથી ઘણા કર્મચારીઓ દરરોજ કામ માટે JNPA બંદરે જાય છે. પરંતુ હાલમાં, તેમને ત્યાં પહોંચવા માટે લાકડાની હોડીનો સહારો લેવો પડે છે. જે રોજ કામ પર જતા કર્મચારીઓ માટે ખર્ચાળ સાબિત થઈ રહ્યું હતું અને સમય પણ વધુ લાગતો હતો. આ સમસ્યાના ઉકેલ માટે ઈ-સ્પીડ બોટનો વિકલ્પ વિચારવામાં આવ્યો હતો.