Sat Sep 05 2026

Logo

છત્તીસગઢમાં અકસ્માતમાં મૃત્યુ પામી મુંબઈની ગુજરાતી યુવતી

2026-08-12 21:34:00
Author: Mumbai Samachar Team
છત્તીસગઢમાં અકસ્માતમાં મૃત્યુ પામી મુંબઈની ગુજરાતી યુવતી

ઓલ ગર્લ્સ બાઈક ટુરમાં સાથી બાઈકરની બ્રેક બગડેલી બાઈક પોતે ચલાવવા લીધી અને જીવ ખોયોઃ તાકીદે સારવાર ન મળી હોવાથી મૃત્યુ થયું હોવાનો સાથી બાઈકર્સનો આરોપઃ સરકાર તરફથી કોઈ મદદ મળી ન હોવાનો ગંભીર આક્ષેપ

મુંબઈ: છત્તીસગઢના બસ્તરમાં મુંબઈના બાવીસ સાથીઓ સાથે ઓલ ગર્લ્સ બાઈક ટૂર પર ગયેલી ગુજરાતી યુવતી રિદ્ધી ઠક્કરનું અત્યંત કમનસીબ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જાણવા મળ્યા મુજબ આ 23 બાઈકર્સમાંથી એક બાઈકરની બાઈકમાં બ્રેક સંબંધી સમસ્યા સર્જાઈ હતી અને તેનાથી બાઈકરને પડી રહેલી તકલીફને જોઈને રિદ્ધીએ બાઈક પોતાના હાથમાં લીધી હતી અને સાથી બાઈકરને પોતાની બાઈક ચલાવવા આપી હતી. 

રિદ્ધિ મુંબઈના 23 સાથી ગર્લ્સ બાઈકર્સ સાથે ટૂર પર ગઈ હતી. જોકે, આ પ્રવાસ દરમિયાન એક સાથી યુવતીની બાઈકમાં બ્રેક સંબંધિત કેટલીક ટેક્નિકલ સમસ્યા સર્જાઈ હતી. રિદ્ધીએ આ બાઈક લીધી, પરંતુ બાઈક બદલ્યાના થોડા જ સમય બાદ આગળ આવેલા એક બ્લાઈન્ડ ટર્ન પર બ્રેક ન લાગતાં રિદ્ધિનું બાઈક પરથી નિયંત્રણ છૂટી ગયું અને તે રસ્તાની બાજુમાં ઊભેલી ટ્રક સાથે અથડાઈ હતી.

આ અકસ્માત બાદ સ્થિતિ વધુ ગંભીર બની હતી. રિદ્ધિ ટ્રક સાથે અથડાયા બાદ રસ્તા પર ફેંકાઈ ગઈ હતી અને તે જ સમયે ત્યાંથી પસાર થતી અન્ય ટ્રકે તેને અડફેટે લીધી હતી. મળતી માહિતી મુજબ બીજી ટ્રકથી લાગેલી ટક્કરને કારણે રિદ્ધિને ગંભીર ઈજાઓ થઈ હતી. સાથી બાઈકર્સે તાત્કાલિક મદદ માટે હેલ્પલાઈન પર સંપર્ક કર્યો હતો અને રિદ્ધિને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. 

પ્રાથમિક સારવાર માટે રિદ્ધિને કાંકેર જિલ્લાના ચારામા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે લઈ જવામાં આવી હતી. જોકે, તેની ઈજાઓ ગંભીર હોવાથી વધુ સારવાર માટે તેને ધમતરી જિલ્લાના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાં તબીબોની સારવાર છતાં સવારે આશરે 8.30 વાગ્યે ગંભીર ઈજાઓને કારણે રિદ્ધિનું મૃત્યુ થયું હતું. 

આ સમગ્ર ઘટના અંગે મુંબઈ સમાચારને માહિતી આપતા આ ટુરમાં સામેલ એક યુવતીએ જણાવ્યું હતું કે રિદ્ધિ બોરીવલી પશ્ચિમની રહેવાસી હતી અને મુંબઈના 23 બાઈકર્સના ગ્રુપ સાથે રાયપુરથી બસ્તર ટૂર પર ગઈ હતી. પોતાની બાઈક સાથી યુવતીને આપીને તેની બાઈક ચલાવવાનું શરૂ કરનાર રિદ્ધિ માટે આ મદદનો નિર્ણય જ અંતે જીવલેણ સાબિત થયો હતો. રિદ્ધિના મોતના સમાચારથી સમગ્ર બાઈકિંગ ગ્રુપમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

મુંબઈના બાઈકર્સ ગ્રુપના સભ્ય અને રિદ્ધીના મિત્ર કપિલ જૈને મુંબઈ સમાચારને જણાવ્યું હતું કે રિદ્ધી એક ઘણી સારી બાઈકર હતી અને એથી જ તેણે આટલી હિંમત કરીને બ્રેકમાં ટેક્નિકલ ફોલ્ટ હોવા છતાં ચલાવવાનો નિર્ણય લીધો હતો. વાસ્તવમાં અકસ્માતને કારણે નહીં, પરંતુ અકસ્માત બાદ સારવાર મળવામાં થયેલા વિલંબને કારણે રિદ્ધીનું મૃત્યુ થયું હતું. ગયા વર્ષે જ રિદ્ધીએ માતાને ગુમાવી હતી અને અત્યારે તેના પરિવારમાં ફક્ત પિતા જ છે. 

આ અકસ્માતને પગલે છત્તીસગઢમાં માર્ગ સલામતી અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. તાજેતરમાં છત્તીસગઢ હાઈકોર્ટે રાજ્યમાં વધી રહેલા માર્ગ અકસ્માતોને ‘ચિંતાજનક’ ગણાવ્યા હતા. વર્ષ 2025માં રાજ્યમાં 15,484 માર્ગ અકસ્માતોમાં 6,967 લોકોનાં મોત થયા હતા અને 13,156 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ વર્ષે 31 મે સુધીમાં જ 6,891 અકસ્માતોમાં 3,170 લોકોનાં મોત અને 5,741 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

રિદ્ધિ ઠક્કરના અકસ્માતે માત્ર હિટ એન્ડ રનનો મુદ્દો જ નહીં, પરંતુ બાઈક પ્રવાસ દરમિયાન વાહનની ટેકનિકલ સ્થિતિ, બ્લાઈન્ડ ટર્ન અને ભારે વાહનોની અવરજવર જેવા સલામતીના મુદ્દાઓ પણ ફરી ચર્ચામાં લાવ્યા છે. સાથી બાઈકરની મુશ્કેલીમાં મદદ કરવા માટે બાઈક બદલનાર રિદ્ધિનું થોડા જ સમય બાદ જીવલેણ અકસ્માતમાં મોત થતાં તેના પરિવાર, મિત્રો અને સાથે પ્રવાસે ગયેલા બાઈકર્સ માટે આ પ્રવાસ ક્યારેય ન ભૂલાય તેવી કરુણ યાદ બની ગયો છે.

(ચેતના રાજા)