મુંબઈ: મુંબઈ-ગોવા હાઈવે પર ગૅસ વહન કરનારા ટૅન્કરમાંથી મોટા પ્રમાણમાં ગૅસગળતર થતાં આસપાસના પરિસરમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જોકે આ ઘટના મધરાત બાદ બની હોવાથી અને ડ્રાઈવરની સતર્કતાને કારણે દુર્ઘટના ટળી ગઈ હતી.
મળતી માહિતી અનુસાર સીએનજી ગૅસનું વહન કરનારું ટૅન્કર મુંબઈ-ગોવા હાઈવે પરથી પસાર થઈ રહ્યું હતું. ગુરુવારની મધરાત બાદ ટૅન્કર રત્નાગિરિ જિલ્લાના સાવર્ડે નજીક દહિવલી ફાટા પાસે પહોંચ્યું ત્યારે ટૅન્કરમાંથી થતા ગૅસગળતરની જાણ ડ્રાઈવરને થઈ હતી.
ટૅન્કરમાંથી ઝડપભેર ગૅસ લિક થઈ રહ્યો હોવાનું જોઈ ડ્રાઈવરે એકેય ક્ષણનો વિલંબ કર્યો નહોતો. તાત્કાલિક તેણે હાઈવે પર સુરક્ષિત સ્થળે ટૅન્કર ઊભું રાખ્યું હતું. ટૅન્કરમાંથી બહાર નીકળી ડ્રાઈવરે ગૅસગળતર રોકવાના પ્રયાસ કર્યા હતા.
જોતજોતાંમાં ગૅસગળતરનું પ્રમાણ એટલું બધું વધી ગયું હતું કે આખા પરિસરમાં ધુમાડો ફેલાવા લાગ્યો હતો. આ ગૅસ અતિશય જ્વલનશીલ હોવાથી સંબંધિત પરિસરમાં ગભરાટનું વાતાવરણ હતું. સદ્નસીબે આ ઘટના મધરાત બાદ બની હોવાથી હાઈવે પર વાહનોની અવરજવર ઓછી હતી, જેને પગલે મોટી દુર્ઘટના ટળી હતી. કહેવાય છે કે દિવસના સમયે આ ઘટના બની હોત તો જાનહાનિ સંભવ હતી.
દરમિયાન ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને સંબંધિત યંત્રણા ઘટનાસ્થળે પહોંચી હતી. ડ્રાઈવરની સતર્કતાને કારણે આગ લાગી નહોતી કે ધડાકો પણ થયો નહોતો. સમયસરની કાર્યવાહીને કારણે આસપાસના નાગરિકોએ પણ રાહતનો શ્ર્વાસ લીધો હતો.
AI Generated Images