Fri May 01 2026

Logo

મુંબઈમાં 'હરીશ રાણા' જેવી કરુણાંતિકા, દીકરાના સાજા થવાની આશામાં ચાર કરોડ ખર્ચ્યા, ઘર વેચાયું અને પાલિકાએ ચલાવ્યું બુલડોઝર

2026-03-18 16:15:47
Author: Darshna Visaria
Article Image

મુંબઈઃ હાલમાં આખા દેશમાં હરીશ રાણા અને તેમના પરિવારના સંઘર્ષની કથની અને પરિવારનો સાક્ષી બની રહ્યો છે. હરીશ રાણા જે પરિસ્થિતિમાંથી દાયકાઓ પહેલાં પસાર થયા હતા, આજે વાત કરવી છે એવા જ 'વેજિટેટિવ સ્ટેટ'માં છેલ્લાં અઢી વર્ષથી જીવી રહેલાં ૩૫ વર્ષના આનંદની.

મુંબઈના એક અંધારા ખૂણામાં જીવાઈ રહેલી આ અત્યંત કરુણ અને હૃદયદ્રાવક કહાની આનંદ દીક્ષિત અને તેના લાચાર માતા-પિતાની છે. આનંદ એ માત્ર એક મેડિકલ કેસ નથી, પણ એક મધ્યમવર્ગીય પરિવારની આર્થિક અને માનસિક વેદનાઓની સફર છે... 

આખી ઘટના વિશે વિસ્તારથી વાત કરીએ તો દીક્ષિત પરિવાર માટે 29મી ડિસેમ્બર 2023ની એ ઠંડીની રાત ગોઝારી સાબિત થઈ હતી. એ દિવસે ગોરખપુરમાં આનંદે પોતાની નવી સ્કૂટી ખરીદી હતી. જે સ્કુટી તેના સપનાઓની પાંખ બનવાની હતી, તે જ સ્કુટી આનંદની પાંખો કાપનારી સાબિત થઈ અને એ દિવસ પછી આનંદ ક્યારેય ઉઠ્યો જ નથી.

છેલ્લા અઢી વર્ષથી આનંદ મશીનો અને ટ્યુબના સહારે જીવી રહ્યો છે. આનંદના કેરટેકર અર્જુન પ્રજાપતિ છેલ્લા 18 મહિનાથી તેની પલક ઝપકવાની રાહ જોઈ રહ્યા છે, પણ સન્નાટાનો કોઈ અંત નથી દેખાઈ રહ્યો. 

આનંદના માતા-પિતા આનંદ એક દિવસ તો પથારીમાંથી ઊભો થશે અને તેમની સાથે વાત કરશે એ આશાએ પોતાની તમામ જમાપૂંજી સારવારના ખર્ચમાં હોમી દીધી છે. આનંદની સારવાર પાછળ અત્યાર સુધીમાં ચાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થઈ ચૂક્યો છે. સારવારનો ખર્ચ ચૂકવવા માટે જમીન અને જીવનભરની મૂડી વેચાઈ ગઈ. 

કરમની કઠણાઈ તો જુઓ કે જ્યારે પરિવાર કોકિલાબેન અને લોટસ જેવી હોસ્પિટલોમાં દીકરાના અસ્તિત્વ માટે લડી રહ્યો હતો, ત્યારે મુંબઈમાં બીએમસીએ દીક્ષિત પરિવારના એકમાત્ર ઘર પર બુલડોઝર ફેરવી દીધું. રહી-સહી કસર ઈન્સ્યોરન્સ કંપનીએ પૂરી કરી; કેર હેલ્થ ઇન્સ્યોરન્સ દ્વારા ક્લેમ ફગાવી દેવાતા પરિવાર પર વધુ 50 લાખનું વધારાનું દેવું કરવું પડ્યું. 

જ્યાં એક તરફ ભારતમાં કાયદો 'પેસિવ યુથનેશિયા' (ઈચ્છામૃત્યુ) અને સન્માનજનક વિદાયની વાત થઈ રહી છે, ત્યાં એક માતાની આશાઓ અને અપેક્ષાઓને વ્યક્ત કરવા માટે કોઈ શબ્દો નથી. આનંદની માતાએ આજે પણ તેના મોંઘા કપડાં, ઘડિયાળ અને મોબાઈલ સંભાળીને રાખ્યા છે કારણ કે તેમને વિશ્વાસ છે કે એક દિવસ તેમના કુળનો આ ચિરાગ જાગશે અને તેમને માતા-પિતા કહીને બોલાવશે. આ કેસ એ સાબિત કરે છે કે જ્યાં સુધી વીમા અને મેડિકલ લો નહીં બદલાય, ત્યાં સુધી આવી સ્થિતિ આખા પરિવાર માટે જીવતેજીવ મોતની સજા સમાન રહેશે.