પોલીસ અકસ્માત મૃત્યુ સમજી, પણ લોકલ ટ્રેનના ડબ્બામાં લાગેલા સીસીટીવી કૅમેરા પરથી આત્મહત્યા હોવાનું સ્પષ્ટ થયું
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુલુંડમાં સાસરે રહેતી ગૃહિણીએ મંદિરમાં જવાને બહાને ઘરેથી નીકળ્યા પછી કલવા-મુંબ્રા વચ્ચે ચાલતી ટ્રેનમાંથી કૂદકો મારી કથિત આત્મહત્યા કરી હતી. થાણે રેલવે પોલીસ શરૂઆતમાં અકસ્માત મૃત્યુ સમજી હતી, પરંતુ તપાસ દરમિયાન લોકલ ટ્રેનના ડબ્બામાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ જોતાં આત્મહત્યાનો મામલો હોવાનું સ્પષ્ટ થયું હતું. ઘટનાના આઠ મહિના પછી ગૃહિણીના પતિ અને સાસુ-સસરા વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
થાણે રેલવે પોલીસના જણાવ્યા મુજબ શિખા આકાશ જૈને 10 નવેમ્બર, 2025ની બપોરે ચાલતી ટ્રેનમાંથી કૂદકો માર્યો હતો. આ પ્રકરણે શિખાના પિતા અને મુંબઈના કાલાચોકી પરિસરમાં રહેતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સુરેશ જૈને નોંધાવેલી ફરિયાદને આધારે મંગળવારે શિખાના પતિ આકાશ જૈન, સસરા રણજિત અને સાસુ બૉબી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 હેઠળ એફઆઈઆર નોંધ્યો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર જાન્યુઆરી, 2023માં શિખાનાં લગ્ન આકાશ થયા પછી તે મુલુંડમાં સાસરે રહેતી હતી. 17 જુલાઈ, 2025ના શિખાએ બાળકીને જન્મ આપ્યા પછી તેનું વર્તન બદલાયેલું જણાતું હતું. પરિણામે શિખા દીકરી સાથે પિયર આવી હતી. પિયરમાં પણ તે ગુમસૂમ બેઠી રહેતી હતી તેથી અંધેરીમાં તેને ડૉક્ટર પાસે ચકાસણી માટે લઈ જવામાં આવી હતી.ફરિયાદમાં જણાવાયું હતું કે શિખા ગર્ભાવસ્થા પછીની માનસિક અસ્વસ્થતાથી પીડાતી હોવાનું નિદાન ડૉક્ટરે કર્યું હતું. આ સ્થિતિમાં તે પોતાને અને બાળકીને પણ નુકસાન પહોંચાડી શકે છે તેથી તેને એકલી ક્યાંય જવા દેવી નહીં, એવો અભિપ્રાય ડૉક્ટરે આપ્યો હતો.
શિખાની માનસિક સ્થિતિની જાણ હોવા છતાં પતિ અને સાસરિયાં દ્વારા તેને કથિત ત્રાસ આપવામાં આવતો હતો અને વારંવાર તેને વઢતા હતા, એવો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો.
આખરે મંદિરે જઈ રહી હોવાનું કહીને 10 નવેમ્બર, 2025ની બપોરે ઘરેથી નીકળેલી શિખા પાછી ફરી નહોતી. તેનો મૃતદેહ કલવા અને મુંબ્રા વચ્ચે રેલવે ટ્રેક પરથી મળી આવ્યો હતો. તે સમયે થાણે રેલવે પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી હતી. જોકે શિખાના પિતાએ આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસની વિનંતી પોલીસને કરી હતી.
કહેવાય છે કે પોલીસ તપાસમાં શિખાનું અકસ્માત મૃત્યુ નહીં, પણ તેણે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. તે દિવસે શિખાએ જે ટ્રેનમાં મુસાફરી કરી હતી તેના ડબ્બામાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. ફૂટેજ પરથી સ્પષ્ટ થયું હતું કે શિખાએ ચાલતી ટ્રેનમાંથી કૂદકો માર્યો હતો. આ અંગે પોલીસે શિખાના પરિવારની પૂછપરછ કરી હતી. શિખાના પિતાએ આપેલા નિવેદનને આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.