Sun Sep 06 2026

Logo

મમતા સાથે તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના કરનારા મુકુલ રોયનું નિધન, ભાજપમાં ગયા પછી પતી ગયેલા

2026-02-23 11:58:00
Author: Mayur Patel
મમતા સાથે તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના કરનારા મુકુલ રોયનું નિધન, ભાજપમાં ગયા પછી પતી ગયેલા

કોલકાતાઃ મમતા સાથે તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના કરનારા મુકુલ રોયનું  71 વર્ષની વયે નિધન થયું હતું. તેમના પુત્ર શુભ્રાંશુ રોયે આ બાબતની પુષ્ટિ કરી છે. મુકુલ રોયે રવિવારે રાત્રે લગભગ 1:30 વાગ્યે કોલકાતાની એપોલો હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. મમતા સાથે છેડો ફાડીને ભાજપમાં ગયા બાદ તેઓ પતી ગયા હતા. તેમને બંગાળની રાજનીતિના ચાણક્ય કહેવાતા હતા. આશરે ચાર દાયકાના રાજકીય જીવનમાં તેમણે કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસ અને ભાજપ એમ ત્રણેય પક્ષોમાં મહત્વની ભૂમિકા નીભાવી હતી.

રોયે તેમની રાજકીય કરિયરની શરૂઆત યુથ કોંગ્રેસથી કરી હતી અને 1998માં મમતા બેનર્જી સાથે મળીને ટીએમસીની સ્થાપના કરી હતી. પાર્ટીના સંસ્થાપક સભ્ય તરીકે તેઓ ટૂંક સમયમાં જ સંગઠનના મુખ્ય સ્તંભ બની ગયા હતા અને રાષ્ટ્રીય મહાસચિવના પદ સુધી પહોંચ્યા હતા.  તેઓ 2006માં પશ્ચિમ બંગાળથી રાજ્યસભા માટે ચૂંટાયા હતા.2012માં રેલવે પ્રધાન તરીકે જવાબદારી સંભાળી હતી. 

 

મુકુલ રોયની રાજકીય સફર વિવાદોથી પણ ઘેરાયેલી રહી હતી. શારદા ચીટફંડ કૌભાંડ અને નારદા સ્ટિંગ ઓપરેશનમાં તેમનું નામ સામે આવ્યું હતું, જેના કારણે પક્ષના નેતૃત્વ સાથેના તેમના સંબંધોમાં તિરાડ પડી હતી. 2017માં તેઓ ભાજપમાં જોડાયા અને બંગાળમાં પક્ષના સંગઠનને મજબૂત કરવામાં તથા 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના શાનદાર પ્રદર્શનમાં મહત્વનું યોગદાન આપ્યું હતું જ્યારે પક્ષે રાજ્યની 42માંથી 18 બેઠકો જીતી હતી. વર્ષ 2021ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે ભાજપની ટિકિટ પર કૃષ્ણનગર ઉત્તર બેઠક પરથી જીત મેળવી હતી. જોકે, ચૂંટણી પછી ભાજપમાં તેમનો પ્રભાવ ધીમે-ધીમે ઘટતો ગયો અને તેમણે જૂન 2021માં ફરીથી TMCમાં વાપસી કરી લીધી હતી.

TMCમાં વાપસી બાદ પણ તેમની પક્ષ પર પહેલા જેવી પકડ રહી નહોતી. તેઓ ધીમે ધીમે સક્રિય રાજનીતિથી દૂર થઈ ગયા હતા. તેમના સુવર્ણ કાળ દરમિયાન પશ્ચિમ બંગાળની રાજનીતિના ચાણક્ય ગણાતા હતા.તેઓ કોલકાતાથી લઈ દિલ્હી સુધીના પ્રભાવશાળી રણનીતિકાર માનવામાં આવતા હતા.