Sat Sep 12 2026

Logo

મહેન્દ્રસિંહ ધોનીની બ્રાન્ડેડ વોચ સોશિયલ મીડિયા પર છવાઈ, કેટલી કિંમતી છે?

2026-03-10 22:21:42
Author: Tejas rajpara
મહેન્દ્રસિંહ ધોનીની બ્રાન્ડેડ વોચ સોશિયલ મીડિયા પર છવાઈ, કેટલી કિંમતી છે?

મુંબઈ: ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી પોતાના શાંત અને સરળ સ્વભાવને લઈ વારંવાર ચર્ચામાં આવતા હોય છે. આ વખત તે તેના સ્વભાવને લઈ નહીં પરંતુ તેના રોયલ શોખને લઈ ચર્ચામાં આવ્યા છે. એક મેચ દરમિયાન જ્યારે કેમેરાનું ફોકસ ધોનીના હાથ પર ગયું, ત્યારે ચાહકોની નજર તેમની મોંઘીદાટ ઘડિયાળ પર અટકી ગઈ હતી. સોશિયલ મીડિયા પર આ ઘડિયાળને લઈને ભારે ચર્ચાઓ છેડાઈ છે. 

ધોનીના કાંડા પર જોવા મળેલી આ ઘડિયાળ 'Rolex Daytona Giraffe' મોડલ હોવાનું કહેવાય છે. આ કોઈ સામાન્ય ઘડિયાળ નથી, પરંતુ રોલેક્સની અલ્ટ્રા-લક્ઝરી કેટગરીની એક ખૂબ જ એક્સક્લુઝિવ આઈટમ છે. રિપોર્ટ્સ અનુસાર, આ ઘડિયાળની કિંમત આશરે ₹2.5 કરોડ જેટલી હોવાનું મનાય છે. તેની સૌથી મોટી ખાસિયત તેનું 18 કેરેટ રોઝ ગોલ્ડ કેસ અને ડાયમંડ જડેલું બેઝલ છે. આ ઘડિયાળના ડાયલ પર ચેસ્ટનટ બ્રાઉન ડાયમંડ સાથે 'જિરાફ પેટર્ન'ની ડિઝાઇન આપવામાં આવી છે, જે તેને વિશ્વની અન્ય ઘડિયાળોથી અલગ પાડે છે.

રેસિંગ ટ્રેકથી લક્ઝરી સુધીની સફર

રોલેક્સ ડેટોના સીરીઝનો ઈતિહાસ ખૂબ જ રસપ્રદ છે. મૂળભૂત રીતે આ સીરીઝ 1963માં પ્રોફેશનલ રેસિંગ ડ્રાઈવરો માટે ડિઝાઈન કરવામાં આવી હતી અને તેનું નામ અમેરિકાની પ્રખ્યાત 'ડેઈટોના 500' રેસ પરથી રાખવામાં આવ્યું છે. શરૂઆતમાં આ ઘડિયાળ ખાસ લોકપ્રિય નહોતી, પરંતુ હોલીવુડ અભિનેતા પોલ ન્યુમેન સાથે જોડાયા બાદ તે વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ઘડિયાળોમાં સામેલ થઈ ગઈ. આજે આ સીરીઝના અલગ-અલગ મોડલ્સ સ્ટેનલેસ સ્ટીલથી લઈને પ્લેટિનમ સુધીના મટીરિયલ્સમાં ઉપલબ્ધ છે.

રસપ્રદ વાત એ છે કે ધોનીએ પહેરેલી આ 'જિરાફ' એડિશન કોઈ પણ સામાન્ય ગ્રાહક શોરૂમમાં જઈને ખરીદી શકતો નથી. આ એક 'ઓફ-કેટલોગ' ઘડિયાળ છે, જે રોલેક્સ કંપની માત્ર પોતાના અત્યંત ખાસ VIP ક્લાયન્ટ્સ અને વર્ષો જૂના કલેક્ટર્સને જ ઓફર કરે છે. 40mm ના કેસ સાઈઝ ધરાવતી આ ઘડિયાળ લક્ઝરી અને ચોકસાઈનું અદભૂત મિશ્રણ છે. ધોનીની આ પસંદગી ફરી એકવાર સાબિત કરે છે કે તેમને માત્ર રમત જ નહીં, પણ દુનિયાની દુર્લભ વસ્તુઓનો પણ જબરદસ્ત શોખ છે.