મોરારિબાપુ
હું ‘રામકથા’ લઇ અને જગતભરમાં ફરતો રહું છું. એ ‘રામકથા’માં આપણને વિદ્યા પ્રાપ્ત થાય એ પછી દીક્ષાંત સમારોહ યોજાય છે; રામાયણ કાળમાં રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન વસિષ્ઠજીના ગુરુકુળમાં અભ્યાસ કરવા ગયા હતા. એમની વિદ્યા જ્યારે પૂર્ણ થઈ, એમનો અભ્યાસ જ્યારે પૂર્ણ થયો અને એમને ગુરુકુળમાંથી વિદાય દેવામાં આવી ત્યારે શું કહેવામાં આવ્યું? અમારી અલિયાબાડા સંસ્થામાં ડોલરભાઈ માંકડના સમયમાં દીક્ષાંત સમારોહ યોજાતો હતો ત્યારે તૈતરીય ઉપનિષદના મંત્રોનો પાઠ થતો હતો; એ પછી ઋષિ જ્યારે વાત કરતા હતા ત્યારે તેમાં એક સૂત્ર બહુ જ સરસ આવતું હતું.
ઋષિ કહેતા હતા કે મારી હવે અવસ્થા થઈ છે. કાલે કદાચ હું આ ધરતી પર રહું, ન રહું; પરંતુ આજ તો જીવનનો માર્ગ છે. તમને જ્યારે જ્યારે માર્ગદર્શનની જરૂરિયાત હશે ત્યારે મારાથી પણ કોઈ તેજસ્વી તમને મળી જશે અને ત્યારે એમને પ્રણામ કરી એનું માર્ગદર્શન પ્રાપ્ત કરજો.. વિદ્યાની કોઈ સીમા નથી.
તો રામકાળમાં ક્યારે દીક્ષાંત પ્રવચનો થતા ત્યારે એમાં કયા સૂત્રો આપવામાં આવતા હતા? પાંચ સૂત્રો આપવામાં આવતા હતા. અમારે મહુવાની બાજુમાં ત્રાપજ ગામ છે. ત્યાં ત્રાપજકર કવિ થયા. એમનો એક દુહો છે-
શાસ્ત્રવિદ્યા, વાણી વિમલ, વીરડા જલ, વિજ્ઞાન,
દયા, દાન અને માન એ વાપર્યા વધે વિઠલા.
આટલી ચીજોનો તમે જેમ ઉપયોગ કરશો તેમ વધશે. એમાં પહેલી છે શાસ્ત્ર વિદ્યા. આપ જે કોઈપણ વિદ્યા શાખામાંથી પદવી પ્રાપ્ત કરો છો તો એ વિદ્યાનું વર્ધન થવું જોઈએ, પરંતુ વિદ્યાનું વર્ધન કેવી રીતે થાય? ‘રામચરિત માનસ’માં દીક્ષાંતપ્રવચનનું બીજું સૂત્ર એ છે કે તમે અહીંથી જે વિદ્યા પ્રાપ્ત કરીને નીકળો છો તેની સાર્થકતા વિનયમાં છે. જેની પાસે વિદ્યા છે, પરંતુ વિનય નથી એની વિદ્યા વાંઝણી છે; એ વિદ્યાનો કોઈ અર્થ નથી. વિદ્યા વિનયથી શોભે છે. વિના વિનય વિદ્યા શોભતી નથી. એને જ વિદ્યા સદાય સુશોભિત રહેશે, જેનામાં વિનય હશે.
ત્રીજું સૂત્ર છે, નિપુણ. અહીં નિપુણતાનો અર્થ છે, યોગ: કર્મસુ કૌશલમ. આપે જે વિદ્યા શાખામાંથી વિદ્યા પ્રાપ્ત કરી હોય તેની કુશળતા, તેની કાર્યકુશળતા એ આ દીક્ષાંત પ્રવચનનું ત્રીજું સૂત્ર છે. કાર્યમાં નિપુણતા એ ત્રીજું સૂત્ર છે. એ પછીનો ગુણ છે જેને ગીતાએ દૈવી સંપદા કહી છે અને એ દૈવી સંપદાનું પહેલું સૂત્ર છે અહિંસા. યુવાન ભાઈ બહેનો, મારી પૂરી રામાયણ યાત્રાના સારરૂપે જો મારે કંઈ કહેવું હોય તો ત્રણ સૂત્રો હું કહું છું-‘સત્ય, પ્રેમ અને કરુણા.’ સત્યને ત્યાં એક પુત્રનો જન્મ થયો જેનું નામ છે અભય, નિર્ભયતા.
આપણામાં જેટલું સત્ય હશે એટલા પ્રમાણમાં આપણે નિર્ભય રહી શકીશું. ગાંધીજી શું કામ નિર્ભય રહ્યા? કારણકે એમની પાસે સત્ય હતું.
‘સત્ય’ શબ્દ કેટલો મોટો શબ્દ છે, પણ માણસ ઈચ્છે તો ખેલખેલમાં સત્ય જીવી શકે છે. થોડી મુશ્કેલી આવે તો આવશે, પણ જીવી શકે છે. સત્યં વદામિ. થોડું કષ્ટ પડે છે, જેનાં જેનાં અનુભવમાં આવું છે એને ખબર છે. પણ એ કષ્ટ પણ આનંદ આપે છે કે સત્યને કારણે મળ્યું છે, જૂઠને કારણે તો નથી મળ્યું ! અમને દુ:ખ મળ્યું તો અમારા કૃષ્ણે આપ્યું છે, કંસે તો નથી આપ્યું. સત્ય કોણ છે ? કૃષ્ણ છે. દુ:ખ આપ્યું તો રામે આપ્યું છે; રાવણે તો નથી આપ્યું. દુ:ખ આપ્યું છે તો ધર્મે આપ્યું છે, અધર્મએ તો નથી આપ્યું. સત્ય દુ:ખ આપે તો આપે. બહુ કઠિન છે, બહુ કઠિન છે.
સત્યની જગ્યાએ જ્યારે અનૃત બોલીએ છીએ તો એ વાણીનું પાપ છે. થોડો પ્રયોગ કરી જુઓ, હું તમને વિનંતી કરું છું. થોડું કષ્ટ સહન કરો, અસત્ય કેમ બોલો છો? ભલે લૂંટાઈ જવાય તો લૂંટાઈ જવાય ! અહીં શું હતું ? કેટલાક લોકો કહે છે, પેલો માણસ અમારા પર જુઠો આરોપ લગાવે છે, તેથી અમને ચોટ લાગી. જૂઠા આરોપથી દુનિયામાં કદી કોઈને ચોટ નથી લાગતી, સાવધાન. ચોટ સત્ય જ કરે છે, જ્યારે કોઈએ તમને કંઈક કહ્યું ને તમે વિચલિત થઈ ગયા, તો સમજજો કે તમારા વિશે એમણે તમને કંઈક સાચું કહી દીધું, જે તમે જાણો છો, દુનિયા નથી જાણતી.
કોઈ જૂઠું કહે તો આપણે વિચલિત થવાનું શું કારણ છે? જે શસ્ત્ર જ નથી, એ આપણો વધ શું કરવાનો? જે મૂલત: શસ્ત્ર જ નથી. ઘણીવાર શું થાય છે કે સંસારમાં સદીઓ સુધી કોઈ ને કોઈ ઊલટું દર્શન આવી જાય છે. નાસ્તિક દર્શનોએ એવી બહુ ગરબડ કરી નાંખી છે.
બીજું સૂત્ર, પ્રેમ એને ત્યાં પણ એક પુત્ર છે, જેનું નામ છે ત્યાગ. જ્યાં પણ પ્રેમ હશે ત્યાં ત્યાગ હશે અને ત્રીજું સૂત્ર છે કરુણા. કરુણાને ત્યાં એક પુત્રીનો જન્મ થાય છે જેનું નામ છે અહિંસા. ક્યારેક આપણે ત્યાં કરુણાના સંતાનરૂપી અહિંસાનો જન્મ થાય છે ત્યારે ભગવાન પતંજલિ કહે છે કે એની પાસે શત્રુ આવશે તો પણ તેની વૈર બુદ્ધિનો ત્યાગ થશે. આપણે શત્રુનો નાશ નથી ઇચ્છતા. આ ભારતની પરંપરા છે. શત્રુબુદ્ધિનો વિનાશ થાય. શત્રુની માનસિકતા બદલે.
તો, સત્ય, પ્રેમ અને કરુણા. સત્ય બાદ અભય, પ્રેમની બાદ ત્યાગ અને કરુણા બાદ અહિંસા. જ્યાં અભય હશે ત્યાં શાંતિ હશે. ભયભીત માણસ ક્યારેય શાંત નહીં રહી શકે. ઉપર ઉપરથી ભલે ગમે તેટલી વાતો કરે પરંતુ તે શાંત નહીં હોય. નિર્ભય માણસ જ શાંત હોય છે.
એટલા માટે જે અભય હોય છે એના ઘરે ફરી એક પુત્રીનો જન્મ થાય છે જેનું નામ હોય છે શાંતિ. પાંચમું સૂત્ર છે શીલ. આપણામાં ગુણ અને વિદ્યા હશે પરંતુ શીલ નહીં હોય તો વિદ્યા અપૂર્ણ છે. શીલ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. શીલ આપણી બહુ મોટી સંપદા છે. આપ યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવો છો પરંતુ તેની સાથોસાથ સારી વૃત્તિ પણ નિર્મિત થવી જોઈએ. વૃત્તિનું નિર્માણ એટલે શીલનું સર્જન.
(સંકલન: જયદેવ માંકડ)