તહેરાન: મધ્ય પૂર્વમાં અત્યારે ભયાનક યુદ્ધની સ્થિતિ છે. 28 ફેબ્રુઆરીએ ઈઝરાયલ અને અમેરિકાના 'ઓપરેશન એપિક ફ્યુરી' બાદ ઈરાન ધડાકાઓથી ધણધણી રહ્યું છે. જોકે, આ ભયાનક જંગ વચ્ચે ઈરાનનું એક એવું નામ ગુંજી રહ્યું છે, જેને ઈરાન ઈઝરાયલ વચ્ચે શાંતિ સ્થાપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એ પ્રયાસ સફળ રહ્યો ન હતો. જ્યારે પણ ઈરાનમાં સિનેમા જગતની વાત કરવામાં આવે ત્યારે મોહસીન મખમલબફનું નામ આદરપૂર્વક લેવામાં આવશે. 15 વર્ષની ઉંમરે તાનાશાહી સામે અવાજ ઉઠાવનાર આ કિશોર 22 વર્ષની વયે કેવી રીતે સિનેમાને પોતાનું હથિયાર બનાવે છે, તેની વાર્તા કોઈ ફિલ્મી પ્લોટથી ઓછી નથી.
જેલની યાતનાથી લઈને 'અલ્ફા' સિનેમા સુધીની સફર
29 મે 1957ના રોજ તેહરાનમાં જન્મેલા મોહસીનનો ઉછેર તેમની કટ્ટર ધાર્મિક દાદી દ્વારા થયો હતો, જેમણે બાળપણમાં શીખવ્યું હતું કે સિનેમા નર્કનું દ્વાર છે. જોકે, સમય જતાં મોહસીન શાહ શાસન વિરુદ્ધ આંદોલનમાં જોડાયા અને 17 વર્ષની ઉંમરે જેલ ગયા. જેલના સાડા ચાર વર્ષોમાં તેમણે સેંકડો પુસ્તકો વાંચ્યા અને સમજાયું કે ઈરાનની સમસ્યા રાજકીય નહીં પણ સાંસ્કૃતિક છે. જેલમાંથી બહાર આવ્યા બાદ, કોઈ પણ પ્રોફેશનલ ટ્રેનિંગ વગર તેમણે ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું. તેમણે ફિલ્મ નિર્માણના 200 નિયમો બનાવ્યા જેને તેઓ 'અલ્ફા સિનેમા' કહે છે. તેમના કરિયરને ચાર તબક્કામાં વહેંચવામાં આવે છે: સરકાર વિરોધી ફિલ્મો, સામાજિક ફિલ્મો, માનવ મનનું મનોવિજ્ઞાન અને છેલ્લે કાબેલ કવિતા જેવું સંવેદનશીલ સિનેમા.
The documentary 'The Afghan Alphabet' released in 2002 (Mohsen Makhmalbaf)
એક ડોક્યુમેન્ટરીએ સાત લાખ બાળકોનું નસીબ બદલ્યું
મોહસીન મખમલબફ માત્ર મનોરંજન માટે ફિલ્મો નથી બનાવતા, પરંતુ તેમની કલા સમાજમાં પરિવર્તન લાવવાનું સાધન છે. તેનું ઉત્તમ ઉદાહરણ 2002માં રિલીઝ થયેલી ડોક્યુમેન્ટરી 'ધ અફઘાન આલ્ફાબેટ' છે. આ ફિલ્મમાં ઈરાન-અફઘાન બોર્ડર પર રહેતા શરણાર્થી બાળકોની વ્યથા દર્શાવવામાં આવી હતી, જેમને શિક્ષણનો અધિકાર નહોતો. આ ફિલ્મની અસર એટલી પ્રચંડ હતી કે ઈરાની સંસદમાં કાયદો બદલવો પડ્યો અને પરિણામે 7 લાખથી વધુ અફઘાન શરણાર્થી બાળકોને ઈરાની શાળાઓમાં પ્રવેશ મળ્યો. મોહસીન આ ફિલ્મને પોતાનું સર્વશ્રેષ્ઠ કાર્ય માને છે કારણ કે તેણે સીધી રીતે લાખો જીવતર બદલી નાખ્યા.
મોહસીનની ઘણી ફિલ્મો જેમ કે 'ધ ગાર્ડનર', 'ધ સાયલન્સ' અને 'ગાબ્બેહ' ઈરાનમાં પ્રતિબંધિત છે કારણ કે તે ધાર્મિક માન્યતાઓ પર સવાલો ઉઠાવે છે. 1979ની ક્રાંતિ પછી તેઓ પ્રથમ એવા ઈરાની કલાકાર હતા જેમણે ખુલ્લેઆમ ઈઝરાયલની મુસાફરી કરી હતી. તેમણે ઈઝરાયલ જઈને શાંતિનો સંદેશ આપ્યો અને અપીલ કરી કે ઈરાન પર હુમલો ન કરવામાં આવે. આ મુસાફરીને કારણે ઈરાની સરકારે તેમને 'ગદ્દાર' અને 'ઈઝરાયલી એજન્ટ' જાહેર કર્યા. ઈરાનના સિનેમા મ્યુઝિયમમાંથી તેમના એવોર્ડ્સ હટાવી દેવામાં આવ્યા, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે માનવાધિકાર સંગઠનોએ તેમને 'શાંતિ દૂત' તરીકે નવાજ્યા. મોહસીન આજે પણ માને છે કે ઈરાન અને ઈઝરાયલના લોકો વચ્ચે નફરત ન હોવી જોઈએ.