Tue Apr 28 2026

Logo

ભારત પહેલેથી જ હિન્દુ રાષ્ટ્ર છે, તેને જાહેર કરવાની જરૂર નથી: મોહન ભાગવતે આપ્યું મોટું નિવેદન

2026-04-28 19:08:09
Author: Mumbai Samachar Team
Article Image

નાગપુર: અયોધ્યામાં રામ મંદિર સત્તામાં રહેલા લોકોની પ્રતિબદ્ધતા અને દેશના પ્રત્યેક વ્યક્તિના સમર્થનને કારણે બની શક્યું હતું એવી સ્પષ્ટતા કરી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના અધ્યક્ષ મોહન ભાગવતે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતને હિન્દુ રાષ્ટ્ર છે જ એટલે એને હિન્દુ રાષ્ટ્ર તરીકે જાહેર કરવાની કોઈ જરૂર નથી.

આરએસએસ દ્વારા કરવામાં આવેલી રજૂઆત અનુસાર ભાગવત સોમવારે જેમના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રામ મંદિરનું નિર્માણ શક્ય બન્યું હતું એવી વ્યક્તિઓના સન્માન માટે એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ કાર્યક્રમ ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા રેશીમબાગમાં આયોજિત કરવામાં આવ્યો હતો.

ભાગવતે વધુમાં જણાવ્યું હતું કે મંદિર ભગવાન રામની પોતાની ઇચ્છાથી બનાવવામાં આવ્યું હતું. ગોવર્ધન પર્વત સાથે તેની તુલના કરતા, તેમણે કહ્યું કે જ્યાં સુધી દરેક વ્યક્તિ યોગદાન ન આપે ત્યાં સુધી આવી સિદ્ધિ પ્રાપ્ત નથી થતી.
એ ભગવાનની આંગળીના ટેરવે ટકે છે, પરંતુ જ્યાં સુધી લોકો યોગદાન ન આપે ત્યાં સુધી તે આંગળી હલતી નથી. મંદિર પણ એ જ રીતે બનાવવામાં આવ્યું હતું. સનાતન ધર્મના પુનરુત્થાન માટે ભારતનું પુનરુત્થાન જરૂરી છે.'

૨૦૧૪ની લોકસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતા ભાગવતે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની નવી સરકારે શપથ લીધા, ત્યારે લંડનના 'ધ ગાર્ડિયન'માં એક લેખ પ્રકાશિત થયો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે 'આ દિવસે, ભારતીયોએ આખરે અંગ્રેજોને અલવિદા કહ્યું. ટેકનિકલી, અમે 15 ઓગસ્ટ, 1947ના દિવસે ગુડબાય કહ્યું, પરંતુ અમને સંપૂર્ણ ખાતરી નહોતી.'   
(પીટીઆઈ)