Mon Sep 07 2026

Logo

સિરાજને બાઉન્ડરી લાઇનની બહારથી `ગુરુમંત્ર' મળ્યો અને વૈભવે ગુમાવી વિકેટઃ જાણો, આખું પ્લાનિંગ શું હતું

2026-05-10 18:32:26
Author: Ajay Motiwala
સિરાજને બાઉન્ડરી લાઇનની બહારથી `ગુરુમંત્ર' મળ્યો અને વૈભવે ગુમાવી વિકેટઃ જાણો, આખું પ્લાનિંગ શું હતું

જયપુરઃ શનિવારે જયપુરમાં રાજસ્થાન રૉયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મૅચમાં થોડી ક્ષણો દરમ્યાન એક અનોખો વ્યૂહ રચાયો હતો જેમાં વૈભવ સૂર્યવંશી ગુજરાતના પેસ બોલર મોહમ્મદ સિરાજ અને હેડ-કોચ આશિષ નેહરાની જાળમાં આબાદ ફસાઈ ગયો હતો.

રાજસ્થાનના 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ વર્તમાન આઇપીએલમાં એક સેન્ચુરી અને બે હાફ સેન્ચુરીની મદદથી 400-પ્લસ રન બનાવ્યા છે, પરંતુ તેની કેટલીક નબળાઈઓ હરીફ ટીમોના અમુક બોલર્સ જાણી ગયા હોવાથી તે ઇનિંગ્સની ધમાકેદાર શરૂઆત કર્યા પછી વહેલો વિકેટ ગુમાવી બેસે છે.

શનિવારે ગુજરાત ટાઇટન્સના હેડ-કોચ આશિષ નેહરાએ વૈભવની વિકેટ મેળવવા પેસ બોલર મોહમ્મદ સિરાજ (Siraj)ને ઈશારો કર્યો એવો વીડિયો વાઇરલ થયો છે. વૈભવની વિકેટ માટે નેહરાનો આ સંકેત કારણરૂપ હતો.

વૈભવે શનિવારે 15 બૉલમાં ત્રણ સિક્સર અને ત્રણ ફોરની મદદથી 36 રન કર્યા હતા અને 16મા બૉલમાં તેણે વિકેટ ગુમાવી હતી. તે શરૂઆતથી આક્રમક રમ્યો હોવાથી એવું લાગતું હતું કે તે મોટી ઇનિંગ્સ રમશે જ. વૈભવ (Vaibhav)નો રથ રોકવો મુશ્કેલ લાગતો હતો. જોકે નેહરા મોટી ચાલ ચાલ્યો હતો.

સિરાજ ઓવરનો ત્રીજો બૉલ ફેંકવા રન-અપ પર દોડે એ પહેલાં નેહરા (Nehra)એ બાઉન્ડરી લાઇનની બહારથી સિરાજને થોડું મગજ દોડાવીને વૈભવને બાઉન્સર ફેંકવાનો ઇશારો કર્યો હતો. સિરાજે તાબડતોબ એનો અમલ કર્યો હતો.

સિરાજે ચોથો બૉલ કલાકે 146.6 કિલોમીટરની ઝડપે ફેંક્યો હતો. એ બાઉન્સર હતો જેમાં વૈભવ છૂટથી રમવા ગયો હતો, પણ એમાં નિષ્ફળ રહ્યો હતો. બૉલ ધાર્યા કરતાં વધુ ઉછળ્યો જેમાં વૈભવે ખોટું સાહસ કર્યું અને બૉલ સીધો શૉર્ટ ફાઇન લેગ તરફ ગયો હતો જ્યાં ઊભેલા અર્શદ ખાને કોઈ ભૂલ નહોતી કરી અને કૅચ ઝીલી લીધો હતો.

સિરાજે આક્રમક સ્ટાઇલમાં વૈભવને સૅન્ડ-ઑફ આપ્યું હતું અને નેહરા ડગઆઉટમાં ખુશ જોવા મળ્યો હતો. ત્રીજી જ ઓવરમાં પડેલી વૈભવની વિકેટ ટર્નિંગ પૉઇન્ટ બની હતી. ત્યાર પછી કાર્યવાહક સુકાની યશસ્વી જયસ્વાલ સહિત સ્ટાર ખેલાડીઓએ સસ્તામાં વિકેટ ગુમાવી દીધી હતી અને રાજસ્થાનની ટીમ 230 રનના લક્ષ્યાંક સામે માત્ર 152મા રને ઑલઆઉટ થઈ જતાં 77 રનથી પરાજિત થઈ હતી.