મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં માળખાગત સુવિધાઓ વિકસાવતી મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ સત્તામંડળ (એમએમઆરડીએ)ની નજર હવે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)ની સરકારી ખાલી જમીનો પર પડી છે.
પ્રોજેક્ટ્સ માટે ભંડોળ એકઠું કરવા માટે એમએમઆરડીએ એ એક નવી યુક્તિ અજમાવી છે અને એમએમઆરની ખાલી સરકારી જમીનો પોતાના હસ્તક સોંપવામાં આવે એવી માંગણી રાજ્ય સરકાર પાસે કરી છે.
એમએમઆરડીએ દ્વારા મેટ્રો સહિત અનેક માળખાગત સુવિધાના પ્રોજેક્ટ્સ એમએમઆરમાં ચલાવવામાં આવી રહ્યા છે. આ પ્રોજેક્ટ્સ માટે કરોડો રૂપિયાના ભંડોળની જરૂરિયાત છે, પરંતુ એમએમઆરડીએ પાસે આવકનો કોઈ નક્કર અને સ્થિર સ્ત્રોત નથી.
તેને મુખ્યત્વે બીકેસી અને વડાલા ખાતેના પ્લોટના વેચાણ પર જ નિર્ભર રહેવું પડે છે. આ પૃષ્ઠભૂમિમાં પ્રોજેક્ટ માટે ભંડોળ ઊભું કરવા માટેના વિકલ્પો પર વિચાર કરતા એમએમઆરડીએ એ આખરે સરકારી જમીનો તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
તે સંદર્ભમાં, એમએમઆરમાં આવેલી ખાલી સરકારી જમીનો એમએમઆરડીએ ને હસ્તક કરવામાં આવે, એવી માંગણી રાજ્ય સરકાર પાસે કરવામાં આવી હોવાની માહિતી સૂત્રોએ આપી છે. આમ, સંકલિત વિકાસ સાધી શકાશે, માળખાગત સુવિધાઓ આયોજનબદ્ધ રીતે વિકસાવી શકાશે અને એક સુનિયોજિત શહેરના નિર્માણમાં મદદ મળશે, એવો દાવો એમએમઆરડીએ દ્વારા કરવામાં આવ્યો છે.