Thu Jun 18 2026

Logo

મિશન મોસમઃ અમદાવાદ - સુરતમાં વરસાદ, વાવાઝોડાની આગાહી થશે વધુ સચોટ, ડોપ્લર રડારની મળી મંજૂરી

2026-03-27 11:51:00
Author: MayurKumar Patel
Article Image

 

અમદાવાદ: ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યના વાતાવરણમાં થનારી ગતિવિધિને લઈ હવામાન વિભાગ આગાહી કરતું હોય છે. જોકે ઘણી વખત આગાહી મુજબ થતું નથી હોતું. પરંતુ હવે ભારતીય હવામાન વિભાગ મિશન મોસમ હેઠળ ગુજરાતના હવામાન નિરીક્ષણ નેટવર્કને નોંધપાત્ર રીતે મજબૂત કરવા જઈ રહ્યું છે. અત્યાર સુધી રાજ્ય મુખ્યત્વે નિરીક્ષણ માટે ભુજના રડાર પર નિર્ભર હતું, પરંતુ હવે આ નવી અપગ્રેડેડ સિસ્ટમમાં અમદાવાદ અને સુરતમાં અત્યાધુનિક S-Band ડોપ્લર વેધર રડાર (DWR) અને ગાંધીનગરમાં C-Band રડારનો સમાવેશ કરવામાં આવશે. આ રડારના ઇન્સ્ટોલેશનથી વાવાઝોડાના ટ્રેકિંગ અને ભારે વરસાદની આગાહીની સચોટતામાં 5 થી 10 ટકાનો સુધારો થવાની અપેક્ષા છે. આ નવું સેટઅપ દર કલાકે હવામાનની અપડેટ આપવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગનો ઉપયોગ કરશે. આગામી બે થી ત્રણ વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી, રિયલ ટાઈમ ડેટાની ઉપલબ્ધતાથી બુલેટ ટ્રેન ઓપરેશન્સ, મેટ્રો સેવાઓ અને એવિએશન જેવા ક્ષેત્રોને મોટો ફાયદો થશે.

અતિશય વરસાદ કે તેજ પવન જેવી આત્યંતિક હવામાનની ઘટનાઓ દરમિયાન, લાઈવ રડાર ઇનપુટ્સ સત્તાધિકારીઓને ટ્રેન અને મેટ્રોની ગતિ નિયંત્રિત કરવામાં મદદ કરશે. આ ઉપરાંત, વિમાનના ટેક-ઓફ અને લેન્ડિંગ દરમિયાન વિઝિબિલિટી, પવનની ગતિ અને વિન્ડ શીયર વિશે વધુ સચોટ માહિતી મળવાથી ફ્લાઇટની સુરક્ષામાં વધારો થશે.

હાલની સિસ્ટમ લેયર્ડ ડેટા પર નિર્ભર છે
વર્તમાનમાં અમદાવાદમાં રડારના અભાવે હવામાનનું નિરીક્ષણ મલ્ટી-લેયર્ડ ડેટા સિસ્ટમ પર આધારિત છે. જેમાં ભુજ રડારનો ઉપયોગ કરીને રિમોટ ઓબ્ઝર્વેશન, ઇનસેટ સેટેલાઇટ ઇમેજરી દ્વારા વાદળોનું મોનિટરિંગ અને શહેરમાં સ્થાપિત ઓટોમેટિક વેધર સ્ટેશનોના ડેટાનો સમાવેશ થાય છે જે તાપમાન, ભેજ અને પવનની સ્થિતિ નોંધે છે. અત્યારે વાવાઝોડા અને વીજળી સંબંધિત એલર્ટ સામાન્ય રીતે દર ત્રણ કલાકે જારી કરવામાં આવે છે, પરંતુ અપગ્રેડ પછી આ ચેતવણીઓ લગભગ દર કલાકે રિયલ ટાઈમમાં ઉપલબ્ધ થશે.

ડોપ્લર રડાર કેવી રીતે કામ કરે છે?

ડોપ્લર રડાર તેના એન્ટેના દ્વારા વાતાવરણમાં રેડિયો તરંગો મોકલે છે. જ્યારે આ તરંગો વરસાદના ટીપાં અથવા વાદળના કણો સાથે અથડાય છે, ત્યારે સિગ્નલો રડાર પર પાછા ફરે છે, જેનાથી વૈજ્ઞાનિકો તેમનું અંતર અને ગતિ માપી શકે છે. આ માહિતીનો ઉપયોગ કરીને હવામાનશાસ્ત્રીઓ વરસાદ અથવા વાવાઝોડાના વાદળો રડાર તરફ આવી રહ્યા છે કે દૂર જઈ રહ્યા છે તેની આગાહી કરે છે. આ સિસ્ટમ આગાહીની સચોટતા સુધારવામાં મદદ કરશે.  હવામાન વિભાગ વિવિધ પ્રકારના રડારનો ઉપયોગ કરે છે. જેમાં 400 કિમી કવરેજ માટે S-Band, 250 કિમી કવરેજ માટે C-Band અને 100 કિમી કવરેજ માટે X-Bandનો ઉપયોગ થાય છે.